લાતુરમાં 'વિલાસરાવની યાદો ભૂંસવા' ગયેલા ભાજપના સૂપડા સાફ

લાતુરમાં પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણનું વિવાદિત નિવેદન ભાજપને ભારે પડ્યું;
મુંબઈ: મહારાષ્ટ્રની લાતુર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લાતુરના ગઢમાં કોંગ્રેસે ભવ્ય પુનરાગમન કરતા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ને કારમી હાર આપી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે કરેલું એક વિવાદિત નિવેદન પક્ષને ભારે પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે લાતુરની જનતાએ સ્વ. વિલાસરાવ દેશમુખના વારસાને સમર્થન આપ્યું છે.
લાતુર મહાનગરપાલિકાની કુલ ૭૦ (સિત્તેર) બેઠકોમાંથી કોંગ્રેસે ૪૩ બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. બીજી તરફ, ગત ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનાર બીજેપી માત્ર ૨૨ બેઠકોમાં સમેટાઈ ગઈ છે. આ ઉપરાંત વંચિત બહુજન અઘાડી (બીબીએ) ને ૪ બેઠકો મળી છે, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી ને માત્ર ૧ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
ટર્નિંગ પોઈન્ટ: 'યાદો ભૂંસી નાખવાનું' નિવેદન: ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા રવીન્દ્ર ચવ્હાણે વિવાદિત બયાન આપતા કહ્યું હતું કે, "શહેરમાંથી વિલાસરાવ દેશમુખની યાદો સો ટકા ભૂંસી નાખવામાં આવશે.". લાતુરના લોકલાડીલા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિલાસરાવ દેશમુખ માટે વપરાયેલા આ શબ્દોથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકીય વિશ્લેષકોના મતે, આ નિવેદને કોંગ્રેસ તરફે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું અને દેશમુખ પરિવારે આ લાગણીને મતમાં પરિવર્તિત કરી દીધી.
દેશમુખ બંધુઓ બન્યા 'બાઝીગર': આ ચૂંટણી અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ માટે પ્રતિષ્ઠાનો જંગ હતી. રવીન્દ્ર ચવ્હાણના નિવેદન બાદ અમિત દેશમુખે સંયમપૂર્વક પ્રચાર કર્યો અને લોકોને બેલેટ પેપરથી જવાબ આપવા અપીલ કરી હતી. પરિણામો બાદ કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે, "ભાજપે યાદો ભૂંસવાની વાત કરી હતી, પરંતુ જનતાએ ભાજપને જ સત્તામાંથી દૂર કરી દીધી છે.".
આમ, લાતુરની જનતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અહીંના રાજકારણમાં દેશમુખ પરિવારનો દબદબો અકબંધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
