તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
માં અંબાના ધામમાં અનંત અંબાણીની ભક્તિભાવ પૂર્વકની ભેટઃ અંબાજી મંદિરમાં આગામી પાંચ વર્ષ સુધી ‘તિથિ ભોજન'નો તમામ ખર્ચ ઉઠાવશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી અનંત અંબાણી દ્વારા શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત રાજ્યસભા સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) શ્રી પરિમલ નથવાણીએ મંદિર ટ્રસ્ટના વહીવટદારને સત્તાવાર પત્ર સુપરત કર્યોં: શ્રી અનંત અંબાણીની સેવા અને ભક્તિને બિરદાવતી શ્રી પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી

અંબાજી તા.૧૭: પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી અનંત મુકેશ અંબાણી દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે. શ્રી અનંત અંબાણીએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં આગામી પાંચ વર્ષ માટે ‘તિથિ ભોજન' યોજનાના પ્રાયોજક બનવાની જાહેરાત કરી છે.
આ અંગેની સત્તાવાર જાણકારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક' અને ‘એક્સ' (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમણે જાતે રૂબરૂ જઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રીને શ્રી અનંત અંબાણીનો સંકલ્પ પત્ર સુપરત કર્યો છે.
શું છે ‘તિથિ ભોજન' સેવાઃ અંબાજી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને સાત્વિક અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ચલાવવામાં આવે છે. ‘તિથિ ભોજન' યોજના અંતર્ગત દાતાઓ ચોક્કસ તિથિ કે દિવસો માટે ભોજનનો ખર્ચ ઉપાડતા હોય છે. શ્રી અનંત અંબાણીએ આગામી પાંચ વર્ષ સુધી આ પવિત્ર કાર્ય માટેનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી છે, જે દર્શાવે છે કે અંબાણી પરિવાર માં અંબા પ્રત્યે કેટલી અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
શ્રી પરિમલ નથવાણીએ શ્રી અનંત અંબાણીની ભક્તિને બિરદાવીઃ આ પ્રસંગે પોતાની લાગણી વ્યક્ત કરતા પરિમલભાઈએ કહ્યું હતું કે, ‘‘મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મેં શ્રી અનંત અંબાણીનો પત્ર ટ્રસ્ટના વહીવટદારને સુપરત કર્યો છે. અનંતનું હૃદય હંમેશા સાચી ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના લયમાં ધબકે છે. એક પરિવારના સભ્યની જેમ મેં તેને એક દયાળુ આત્મા તરીકે વિકસતો જોયો છે, જે ભક્તિ અને સેવાના સારને જીવે છે. મા અંબાજીના આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે.''
ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર વર્ષોથી અંબાજી મંદિર સાથે જોડાયેલો છે અને અવારનવાર શ્રી મુકેશભાઈ અંબાણી, શ્રીમતી નીતાબેન અંબાણી તેમજ આકાશ અને અનંત અંબાણી માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.
અગાઉ પણ અંબાણી પરિવાર દ્વારા મંદિરના સુવર્ણ શિખર પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોમાં મોટું યોગદાન આપવામાં આવ્યું છે. શ્રી અનંત અંબાણીની આ નવી પહેલથી અંબાજી આવતા લાખો યાત્રિકોને અન્નક્ષેત્રનો લાભ વધુ સારી રીતે મળી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
