<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

'બોર્ડર 2' ના પ્રમોશનમાં સૈનિકોનું અપમાન? સની દેઓલ અને વરુણ ધવનના વીડિયો પર કોંગ્રેસ લાલઘૂમ, અભિષેક સિંઘવીએ કહ્યું- 'BSF ની મજાક બંધ કરો'

યુનિફોર્મમાં સૈનિકો પરેડ કરે અને કલાકારો જીપમાં રાજાની જેમ ફરે તે દેશભક્તિ નથી પણ ઢોંગ છે; ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઈ

નવી દિલ્હી: દેશભક્તિના જોશથી ભરેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બોર્ડર 2' તેની રિલીઝ પહેલા જ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. સની દેઓલ અને વરુણ ધવન દ્વારા ફિલ્મના પ્રમોશન માટે અપનાવવામાં આવેલી શૈલી સામે કોંગ્રેસે આકરો વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને જાણીતા વકીલ ડૉ. અભિષેક સિંઘવીએ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે ફિલ્મની ટીમ પ્રમોશનના નામે સીમા સુરક્ષા દળ (BSF) ની મજાક ઉડાવી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે BSF ના યુનિફોર્મમાં સજ્જ કેટલાક જવાનો પરેડ કરી રહ્યા છે, જ્યારે તેમની પાછળ એક જીપમાં સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી કોઈ 'મહારાજા' ની જેમ સવાર થઈને આવી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને અભિષેક સિંઘવી ભડક્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "આ આઘાતજનક અને અપમાનજનક છે. BSF નો યુનિફોર્મ કોઈ ફિલ્મી પ્રોપર્ટી કે એસેસરી નથી અને દેશભક્તિ કોઈ દેખાવો નથી. આ તમાશો તાત્કાલિક બંધ થવો જોઈએ."
આ વિવાદમાં ત્યારે વધુ ઘી હોમાયું જ્યારે એક પાકિસ્તાની યુઝરે આ વીડિયો પર કટાક્ષ કરતા લખ્યું કે, "ભારતે ફરી એકવાર ફિલ્મમાં યુદ્ધ જીતી લીધું છે અને તેના બદલ વરુણ ધવન તથા સની દેઓલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે." સિંઘવીએ આ જ વીડિયોનો ઉલ્લેખ કરીને બોલિવૂડ કલાકારોને સૈનિકોના સન્માનની મર્યાદા જાળવવાની સલાહ આપી છે. તેમના મતે, પ્રમોશન માટે સૈનિકોનો ઉપયોગ કરવો એ શરમજનક છે.
અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી 'બોર્ડર 2' માં ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધની શૌર્યગાથા બતાવવામાં આવી છે. ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા પ્રમોશનના નામે થયેલા આ 'તમાશા' એ સોશિયલ મીડિયા પર બે ભાગલા પાડી દીધા છે.

(8:07 PM IST)