<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ખામનેઈનો ટ્રમ્પ પર સીધો હુમલો: "ઈરાનમાં હિંસા માટે અમેરિકા જવાબદાર" : યુદ્ધના ભણકારા

ઈરાનના સર્વોચ્ચ નેતાએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા 'ગુનેગાર': વિરોધ પ્રદર્શનોને અમેરિકી ષડયંત્ર ગણાવીને ખામનેઈનો વળતો પ્રહાર કરવાની આપી ધમકી: હજારોના મોતના દાવા વચ્ચે મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ

તેહરાન:  ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ શનિવારે એક અભૂતપૂર્વ નિવેદન આપતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધા જ "ગુનેગાર" જાહેર કર્યા છે. ખામેનીએ આક્ષેપ કર્યો છે કે ઈરાનમાં તાજેતરમાં થયેલી હિંસા, તોફાનો અને જાનહાનિ માટે ટ્રમ્પ પ્રશાસન જવાબદાર છે. એક્સ (X) પર કરેલી એક પોસ્ટ અને ધાર્મિક કાર્યક્રમમાં આપેલા ભાષણમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાની રાષ્ટ્ર વિરુદ્ધ થઈ રહેલા આ ષડયંત્રને સહન કરવામાં આવશે નહીં. આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધની આશંકાઓ તેજ બની છે.

ખામેનીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન પર કબજો કરવાનો છે અને ટ્રમ્પે તોફાનીઓને ઉશ્કેરીને ઈરાની જનતાનું અપમાન કર્યું છે. તેમના મતે, અમેરિકા અને ઈઝરાયલે એજન્ટો દ્વારા ઈરાનમાં અશાંતિ ફેલાવવા માટે તાલીમબદ્ધ તોફાનીઓની ભરતી કરી હતી. ખામેનીએ આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાની રાષ્ટ્રે જે રીતે આ રમખાણોની કમર તોડી નાખી છે, તે જ રીતે હવે આ કાવતરું ઘડનારાઓની કમર તોડવાનો સમય આવી ગયો છે. તેમણે દાવો કર્યો કે તાજેતરની અશાંતિ એ માત્ર વિદેશી એજન્સીઓ દ્વારા પ્રાયોજિત હિંસા હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના રિપોર્ટ ઈરાનમાં ભયાનક સ્થિતિ હોવાનું દર્શાવે છે. ડિસેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોમાં અંદાજે ૩,૦૦૦ થી ૧૨,૦૦૦ લોકોના મોત થયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જોકે ઈરાન સરકાર આ આંકડાઓને નકારી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ નિવેદન આપ્યું હતું કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની હત્યા થશે તો અમેરિકા શાંત બેસશે નહીં. હાલમાં ઈરાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત છે, પરંતુ ખામેની અને ટ્રમ્પ વચ્ચેની આ શાબ્દિક લડાઈ ગમે ત્યારે સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

(8:29 PM IST)