<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

તમિલનાડુમાં 'મક્કલ થિલગમ' MGR ની 109મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી: AIADMK એ ચૂંટણીના શ્રીગણેશ કરી વચનોનો પિટારો ખોલ્યો

મહિલાઓને સ્કૂટર અને મફત બસ મુસાફરી સહિતની મોટી જાહેરાતો સાથે પલાનિસામીએ આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાવ્યો

ચેન્નાઈ : તમિલનાડુના રાજકારણના અજેય યોદ્ધા, ભારત રત્ન અને AIADMK ના સ્થાપક ડૉ. એમ.જી. રામચંદ્રન (MGR) ની આજે 109મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખાસ અવસરે AIADMK એ માત્ર શ્રદ્ધાંજલિ જ અર્પિત નથી કરી, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો 'માસ્ટર પ્લાન' રજૂ કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે.
પક્ષના મહાસચિવ અને વિપક્ષી નેતા એડપ્પાદી પલાનિસામીએ આ પવિત્ર દિવસે જનતા માટે લોકપ્રિય જાહેરાતોની ઝડી વર્ષાવી છે. તેમણે પક્ષના ચૂંટણી ઢંઢેરાનો પ્રથમ ભાગ જાહેર કરતા પાંચ મુખ્ય 'ગેરંટી' આપી છે. જેમાં સૌથી આકર્ષક જાહેરાત મહિલાઓ માટે છે; પક્ષે સત્તા પર આવતા જ 5 લાખ મહિલાઓને ટુ-વ્હીલર ખરીદવા માટે ₹25,000ની સહાય આપવાનું વચન આપ્યું છે.
શ્રમિકો અને સામાન્ય વર્ગને રીઝવવા માટે AIADMK એ રોજગારી અને પરિવહન પર ભાર મૂક્યો છે. પલાનિસામીએ જાહેરાત કરી છે કે 100 દિવસની રોજગારી યોજનાને વધારીને 150 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત, અત્યાર સુધી માત્ર મહિલાઓ માટે મર્યાદિત ગણાતી મફત બસ સેવાનો વ્યાપ વધારીને હવે પુરુષોને પણ તેમાં આવરી લેવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાતો સાથે જ તમિલનાડુમાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાઈ ગયું હોય તેવું જણાય છે. MGR ના વારસાને આગળ ધપાવવાના દાવા સાથે AIADMK એ ગરીબ અને મધ્યમ વર્ગના મતો અંકે કરવા માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.

(8:44 PM IST)