ભારતીય રેલ્વેમાં નવા યુગનો પ્રારંભ: PM મોદીએ દેશની પ્રથમ 'વંદે ભારત સ્લીપર' ટ્રેનને લીલી ઝંડી આપી, હવે પાટા પર દોડશે 'ચલતી-ફિરતી હોટેલ'
હાવડાથી ગુવાહાટી વચ્ચે મુસાફરીના સમયમાં અઢી કલાકનો ઘટાડો; એરલાઇન જેવી સુવિધાઓ અને વાજબી ભાડા સાથે મુસાફરોને મળશે આલિશાન અનુભવ

માલદા: ભારતીય રેલ્વેના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ટાઉન સ્ટેશનથી દેશની સર્વપ્રથમ 'વંદે ભારત સ્લીપર' ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. હાવડા અને ગુવાહાટી (કામખ્યા) ને જોડતી આ હાઈ-ટેક ટ્રેન ભારતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ પ્રસંગે પીએમ મોદીએ ટ્રેનની અંદર શાળાના બાળકો સાથે મુલાકાત કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
પ્લેન જેવી સુવિધા, હવે ટ્રેનની સફરમાં
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જણાવાયું છે કે, આ સંપૂર્ણ AC સ્લીપર ટ્રેન મુસાફરોને 'એરલાઇન જેવો અનુભવ' કરાવશે. લાંબા અંતરની મુસાફરી માટે ખાસ તૈયાર કરાયેલી આ ટ્રેન માત્ર ઝડપી જ નહીં, પણ અત્યંત સુરક્ષિત અને આરામદાયક છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીના સમયમાં આશરે ૨.૫ કલાકનો નોંધપાત્ર ઘટાડો થશે, જે પર્યટન અને ધાર્મિક યાત્રાને નવો વેગ આપશે.
બંગાળ અને નોર્થ-ઈસ્ટને ₹3,250 કરોડની ભેટ
ટ્રેનના લોન્ચિંગ બાદ માલદામાં એક વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ₹3,250 કરોડના રેલ અને રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સનો હેતુ પૂર્વ ભારતની કનેક્ટિવિટીને મજબૂત કરી આર્થિક વિકાસને ગતિ આપવાનો છે.
ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી મર્યાદિત નથી. ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ અને આસામની વિધાનસભા ચૂંટણીઓની ગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે આ મુલાકાતને હાઈ-વોલ્ટેજ રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે. વિકાસના કામો દ્વારા પીએમ મોદીએ પૂર્વ ભારતના મતદારોને રીઝવવાનો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે.
ભારતની આ પ્રથમ સ્લીપર વંદે ભારત હવે સામાન્ય મુસાફરો માટે આધુનિકતા અને ગતિનું નવું સરનામું બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
