બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા લઘુમતીઓ અને મહિલાઓ પર જોખમ: હ્યુમન રાઇટ્સ વોચનો ગંભીર અહેવાલ, વચગાળાની સરકારની નિષ્ફળતા પર ઉઠ્યા સવાલો
૧૨ ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણી પહેલા હિંસામાં ચિંતાજનક વધારો; સંસદમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા અને માનવ અધિકારોના રક્ષણ માટે HRW ની આકરી હાકલ

ઢાકા : પાડોશી દેશ બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા વાતાવરણ અત્યંત તંગ બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા 'હ્યુમન રાઇટ્સ વોચ' (HRW) એ તેના તાજેતરના અહેવાલમાં બાંગ્લાદેશની સુરક્ષા સ્થિતિ અંગે લાલબત્તી ધરી છે. અહેવાલ મુજબ, દેશમાં ધાર્મિક લઘુમતીઓ, મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ હિંસાના બનાવોમાં મોટો ઉછાળો આવ્યો છે, જે લોકશાહી પ્રક્રિયા માટે જોખમી સંકેત છે.
વચગાળાની સરકારના દાવાઓની ખુલી પોલ
HRW એ બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, સરકાર નાગરિકોના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવામાં ગંભીર રીતે નિષ્ફળ રહી છે. અહેવાલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લઘુમતી સમુદાયો પર સતત હુમલા થઈ રહ્યા છે અને તેમની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં માત્ર કાગળ પર જ મર્યાદિત છે. સંસ્થાએ સરકારને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિઓનું સન્માન કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે.
મહિલા પ્રતિનિધિત્વ અને બંધારણીય સુરક્ષા
હિંસાને રોકવા માટે HRW એ કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરી છે. જેમાં સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની માંગ કરવામાં આવી છે, જેથી નીતિ-નિર્માણ સ્તરે મહિલાઓના અવાજને મજબૂતી મળી શકે. આ ઉપરાંત, ધાર્મિક લઘુમતીઓ માટે બંધારણીય સુરક્ષા કવચને વધુ સખત બનાવવા અને હિંસામાં સામેલ તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.
ચૂંટણી પર જોખમના વાદળો
ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લઘુમતી મતોને પ્રભાવિત કરવા અથવા તેમને મતદાનથી વંચિત રાખવા માટે હિંસાનો સહારો લેવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. HRW એ વૈશ્વિક સમુદાયને પણ અપીલ કરી છે કે તેઓ બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખે જેથી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
