ન્યાયતંત્રમાં નવા યુગનો પ્રારંભ: ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને સીએમ યોગીએ ચંદૌલીમાં ૬ હાઈટેક 'સંકલિત કોર્ટ સંકુલ'નું ભૂમિપૂજન કર્યું; યુપી આખા દેશમાં ઉદાહરણ બનશે
૬ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે અત્યાધુનિક અદાલતો; "લોકશાહીના મજબૂતીકરણ માટે સશક્ત ન્યાયતંત્ર અનિવાર્ય" - મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

ચંદૌલી : ઉત્તર પ્રદેશના ન્યાયિક ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે આજે ચંદૌલી જિલ્લામાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ૬ જિલ્લાઓ માટે 'સંકલિત કોર્ટ સંકુલ' (Integrated Court Complexes) નો શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.
સમગ્ર દેશ માટે રોલ મોડલ બનશે યુપી
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, આ આધુનિક કોર્ટ સંકુલના નિર્માણ સાથે ઉત્તર પ્રદેશ સમગ્ર ભારતમાં ન્યાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે એક નવું ઉદાહરણ પૂરું પાડશે. આ સંકુલ ચંદૌલી ઉપરાંત મહોબા, અમેઠી, શામલી, હાથરસ અને ઔરૈયા જિલ્લામાં તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
દરેક જિલ્લામાં હશે અત્યાધુનિક અદાલત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમમાં હૂંકાર કરતા કહ્યું કે, લોકશાહીના સ્તંભોને મજબૂત કરવા માટે ન્યાયતંત્રનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. તેમણે જાહેરાત કરી કે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં આવા સંકલિત કોર્ટ સંકુલ બનાવવા માંગે છે. હાલમાં આ ૬ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સંકુલમાં વકીલો, અસીલો અને ન્યાયાધીશો માટે તમામ આધુનિક સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ હશે.
શું છે સંકલિત કોર્ટ સંકુલની ખાસિયત?
આ નવા કોર્ટ સંકુલ ડિજિટલ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ઈ-ફાઈલિંગ, વિડિયો કોન્ફરન્સિંગ અને અદ્યતન સુરક્ષા વ્યવસ્થા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આનાથી પેન્ડિંગ કેસોના નિકાલમાં તેજી આવશે અને સામાન્ય માણસને ન્યાય મેળવવા માટે એક ઓફિસથી બીજી ઓફિસમાં ભટકવું નહીં પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
