<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ટ્રમ્પ વિરુદ્ધ ફેડરલ રિઝર્વ: સુપ્રીમ કોર્ટમાં 'મહાજંગ', શું રાષ્ટ્રપતિ કેન્દ્રીય બેંકના ગવર્નરને ઘરભેગા કરી શકે? અર્થતંત્ર પર કબજાની લડાઈ

ફેડ ગવર્નર લિસા કૂકને હટાવવાના ટ્રમ્પના પ્રયાસથી અમેરિકામાં બંધારણીય કટોકટી; શું વ્યાજદરો પર રાજકીય નિયંત્રણ લાવવા માટે 'મોર્ટગેજ ફ્રોડ'નું બહાનું ધરાયું? - જાણો સુપ્રીમ કોર્ટની કસોટી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશની સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વ વચ્ચેનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કૂકને પદ પરથી હટાવવાનો અભૂતપૂર્વ આદેશ આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધો છે. આ કેસ માત્ર એક અધિકારીની નોકરીનો નથી, પરંતુ તે નક્કી કરશે કે અમેરિકાની આર્થિક નીતિઓ પર રાષ્ટ્રપતિનો કેટલો અંકુશ હોવો જોઈએ. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અંતિમ દલીલો થવાની છે.
શું છે સમગ્ર વિવાદ?
ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે લિસા કૂકે ૨૦૨૨માં ફેડમાં નિમણૂક પહેલા મોર્ટગેજ (મકાન લોન) લેવામાં છેતરપિંડી કરી હતી. ટ્રમ્પના મતે, આ 'ગંભીર ગેરરીતિ' છે અને તેના આધારે તેઓ કૂકને ૧૪ વર્ષના કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ કાઢી શકે છે. જોકે, લિસા કૂક અને તેમના સમર્થકોનું કહેવું છે કે આ માત્ર એક બહાનું છે. અસલી હેતુ ફેડરલ રિઝર્વને ડરાવીને વ્યાજદરોમાં ઘટાડો કરાવવાનો છે, જેથી મધ્યસત્ર ચૂંટણી પહેલા ટ્રમ્પ સરકારને આર્થિક ફાયદો થાય.
ફેડરલ રિઝર્વની સ્વાયત્તતા દાવ પર
અમેરિકાના કાયદા મુજબ, ફેડના ગવર્નરોને રાજકીય દબાણથી બચાવવા માટે સુરક્ષા આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેમને માત્ર 'યોગ્ય કારણ' (For Cause) વગર હટાવી શકતા નથી. નિષ્ણાતો માને છે કે જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના પક્ષમાં ચુકાદો આપે, તો ભવિષ્યમાં કોઈપણ રાષ્ટ્રપતિ પોતાની મરજી મુજબ વ્યાજદરો નક્કી કરાવી શકશે. આનાથી બજારમાં અનિશ્ચિતતા અને મોંઘવારી વધવાનો ખતરો રહેલો છે.
ન્યાયાધીશોની ભૂમિકા અને આર્થિક અસર
સુપ્રીમ કોર્ટના ૬-૩ ના રૂઢિચુસ્ત બહુમતી ધરાવતા ન્યાયાધીશો અત્યાર સુધી ટ્રમ્પના કેટલાક નિર્ણયો પ્રત્યે નરમ રહ્યા છે, પરંતુ જ્યારે વાત અર્થતંત્રની આવે ત્યારે તેઓ સાવધ છે. તાજેતરમાં જ ટ્રમ્પના ટેરિફ (આયાત જકાત) પર પણ કોર્ટે શંકા વ્યક્ત કરી હતી. જો સુપ્રીમ કોર્ટ લિસા કૂકની તરફેણમાં ચુકાદો આપે, તો તે ટ્રમ્પની આર્થિક સત્તા પર સૌથી મોટો અંકુશ ગણાશે. જૂનના અંત સુધીમાં આ ઐતિહાસિક કેસનો ચુકાદો આવવાની અપેક્ષા છે.

(10:40 PM IST)