<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

સિંગુરની ધરતી પરથી ગર્જશે પીએમ મોદી: બંગાળ માટે ₹૮૩૦ કરોડના વિકાસકાર્યોની ભેટ, ૩ નવી 'અમૃત ભારત' ટ્રેનોને લીલી ઝંડી; ૨૦ વર્ષ જૂના રાજકીય ગઢમાં ભાજપનું શક્તિપ્રદર્શન

માળખાગત સુવિધાઓ, રેલવે અને બંદર પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ; ટાટા નેનો વિવાદના કેન્દ્ર રહેલા સિંગુરમાં પીએમની 'પરિવર્તન સંકલ્પ' રેલીથી રાજકીય ગરમાવો - જાણો સંપૂર્ણ કાર્યક્રમ

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઐતિહાસિક અને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સિંગુરમાં પધારશે. પીએમ મોદી અહીં ₹૮૩૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ આપવાની સાથે એક વિશાળ જનસભાને સંબોધશે. સિંગુર એ જ ભૂમિ છે જ્યાંથી મમતા બેનર્જીએ ડાબેરી શાસન સામે આંદોલન કરી સત્તાના દ્વાર ખોલ્યા હતા, હવે એ જ મેદાનમાં પીએમ મોદી ભાજપના વિજયના શ્રીગણેશ કરવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન રવિવારે બપોરે ૩ વાગ્યે એક વહીવટી કાર્યક્રમ દરમિયાન અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે:
બાલાગઢ પોર્ટ ગેટ સિસ્ટમ: ₹૮૩૦ કરોડના પેકેજમાં બાલાગઢ ખાતે એક્સટેન્ડેડ પોર્ટ ગેટ સિસ્ટમ અને ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ (IWT) ટર્મિનલનો સમાવેશ થાય છે, જે કોલકાતામાં ટ્રાફિકનું ભારણ ઘટાડશે.
પીએમ મોદી ૩ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે, જે હાવડા-આનંદ વિહાર, સિયાલદહ-વારાણસી અને સંતરાગાછી-તાંબરમ વચ્ચે દોડશે.
નવી રેલ લાઇન: જયરામબાટી-બારોગોપીનાથપુર-મયનાપુર નવી રેલ લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે બાંકુરા અને હુગલી જિલ્લાઓ વચ્ચે કનેક્ટિવિટી સુધારશે.
સિંગુર લગભગ બે દાયકા બાદ ફરીથી ભારતીય રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ૨૦૦૬માં ટાટાના નેનો પ્રોજેક્ટ સામેના આંદોલને બંગાળનું રાજકારણ બદલી નાખ્યું હતું. ભાજપ હવે એ જ સિંગુરમાં 'પરિવર્તન સંકલ્પ' રેલી યોજીને સંદેશ આપવા માંગે છે કે મમતા સરકારના શાસનમાં ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો છે. પીએમ મોદીની આ રેલી કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરશે અને આગામી ચૂંટણી માટે ભાજપની રણનીતિ સ્પષ્ટ કરશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ શનિવારે માલદામાં ₹૩,૨૫૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું, જેમાં દેશની પ્રથમ 'વંદે ભારત સ્લીપર' ટ્રેનનો પણ સમાવેશ થાય છે. સતત બીજા દિવસે બંગાળમાં તેમની હાજરી અને કરોડોના પ્રોજેક્ટ્સ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર બંગાળના વિકાસ અને રાજકીય પરિવર્તન માટે કેટલી ગંભીર છે.


 

(10:52 PM IST)