<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ગ્રીનલેન્ડ ખરીદવાના વિવાદમાં અમેરિકાનો મોટો નિર્ણય: યુરોપના ૮ દેશો પર ૧૦ ટકા ટેરિફ લાદતા ટ્રમ્પ, કહ્યું- વિશ્વ શાંતિ દાવ પર છે

ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદવાની ડીલ અંગેના વિવાદમાં ડેનમાર્ક, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિતના યુરોપીયન દેશો સામે આકરા પગલાં લીધા

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદવાની ડીલ અંગેના વિવાદમાં ડેનમાર્ક, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિતના યુરોપીયન દેશો સામે આકરા પગલાં લીધા છે. ટ્રમ્પે આ દેશોમાંથી આવતા સામાન પર ૧ ફેબ્રુઆરીથી ૧૦ ટકા અને જૂનથી ૨૫ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી (ટેરિફ) લાદવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે શનિવારે યુરોપના અનેક દેશો પર નવા ટેરિફ (આયાત શુલ્ક) લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા દ્વારા ગ્રીનલેન્ડની સંપૂર્ણ ખરીદી અંગે કોઈ સમજૂતી કે ડીલ નક્કી ન થાય ત્યાં સુધી આ ટેરિફ અમલમાં રહેશે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ૧ ફેબ્રુઆરીથી જે દેશો પર ૧૦ ટકા ટેરિફ લાગશે તેમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન), નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે ચેતવણી આપી છે કે જો ગ્રીનલેન્ડ મુદ્દે કોઈ સમાધાન નહીં આવે, તો ૧ જૂનથી આ ટેરિફનો દર વધારીને ૨૫ ટકા કરી દેવામાં આવશે.
ટ્રમ્પે આ ગંભીર પરિસ્થિતિ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "વિશ્વ શાંતિ દાવ પર છે." સામાન્ય રીતે ટેરિફ એ આયાતી માલ પર લાદવામાં આવતો ટેક્સ છે, જેનો ઉપયોગ ઘરેલું ઉદ્યોગોને સુરક્ષિત કરવા અથવા વ્યાપારી ભાગીદારો પર આર્થિક દબાણ લાવવા માટે થાય છે. 
ટ્રમ્પની આ જાહેરાતથી ટ્રાન્સ એટલાન્ટિક વેપાર અને વૈશ્વિક બજારો પર મોટી અસર પડવાની શક્યતા છે


 

(10:58 PM IST)