News of Sunday, 18th January 2026
ભારત ઠુંઠવાયું: 14 રાજ્યોમાં કાતિલ શીતલહેર અને ધુમ્મસનું પ્રચંડ આક્રમણ, 9 રાજ્યોમાં મેઘરાજા મંડાશે
હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી; દિલ્હીથી લઈને બિહાર સુધી ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થતા વિમાની અને રેલ સેવાઓ ખોરવાઈ, કુદરતના બેવડા પ્રકોપ વચ્ચે જનજીવન ઠપ

નવી દિલ્હી:સમગ્ર ઉત્તર ભારત અત્યારે કુદરતના બેવડા પ્રહારનો સામનો કરી રહ્યું છે. એકતરફ હિમાલયની પહાડીઓમાં બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે, તો બીજી તરફ મેદાની રાજ્યોમાં ગાઢ ધુમ્મસે ચાદર ઓઢી લીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે અત્યંત ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, દેશના 14 રાજ્યોમાં કડકડતી ઠંડી અને શીત લહેરનો કહેર યથાવત રહેશે. ખાસ કરીને રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે વિઝિબિલિટી 'ઝીરો' નોંધાઈ હતી, જેને કારણે સેંકડો ટ્રેનો મોડી પડી છે અને અનેક ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. બર્ફીલા પવનોએ લોકોને ઘરોમાં કેદ કરી દીધા છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 18 થી 24 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. કાશ્મીરમાં હાલ 'ચિલ્લા કલાં'નો આકરો સમય ચાલી રહ્યો છે, જ્યાં તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે. મનાલી, કુલ્લુ અને ચંબા જેવા પ્રવાસન સ્થળોએ પારો માઈનસ 7 ડિગ્રી સુધી ગગડી શકે છે. પહાડો પર થનારી આ હિમવર્ષાને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા મેદાની રાજ્યોમાં ઠંડીનું જોર હજુ પણ વધશે. હવામાન નિષ્ણાતોના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી પહાડી વિસ્તારોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.
મેદાની વિસ્તારોની વાત કરીએ તો, પંજાબ અને હરિયાણામાં આગામી બે દિવસ સુધી 'કોલ્ડ ડે'ની સ્થિતિ રહેશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીની આસપાસ હળવા વરસાદની શક્યતા છે, જે ઠંડીમાં વધુ વધારો કરશે. દિલ્હીમાં પણ 17 થી 20 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો વધારો થવાની આશા છે, પરંતુ 23 થી 26 જાન્યુઆરી વચ્ચે ફરી એકવાર જોરદાર શીત લહેર આવવાની શક્યતા છે, જે ગણતંત્ર દિવસની ઉજવણીમાં પણ ખલેલ પહોંચાડી શકે છે.
બિહાર અને બંગાળના ગંગાના મેદાની વિસ્તારોમાં પણ ધુમ્મસનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરી સુધી બિહાર અને સિક્કિમમાં સવાર અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. વહીવટીતંત્રે લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાની અને હાઈવે પર વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી એક અઠવાડિયા સુધી ઠંડીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. કાતિલ પવનો અને ભેજવાળા વાતાવરણને કારણે ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
