<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

કાઝીરંગાના રક્ષણ માટે પીએમ મોદીનો 'માસ્ટરસ્ટ્રોક': રૂ.6,957 કરોડના એલિવેટેડ કોરિડોરનું ભૂમિપૂજન, આસામને મળી બે નવી 'અમૃત ભારત' ટ્રેનો

વન્યજીવો અને પ્રવાસીઓ માટે હવે માર્ગ થશે મોકળો; નેશનલ પાર્કમાં પ્રાણીઓના અકસ્માતો રોકવા ૩૫ કિલોમીટર લાંબો હાઈટેક કોરિડોર બનશે, ડિબ્રુગઢથી લખનૌ અને કામાખ્યાથી રોહતક સુધી દોડશે આધુનિક ટ્રેનો - પૂર્વોત્તર ભારતના વિકાસને મળી નવી પાંખો

ગુવાહાટી/નાગાંવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના નાગાંવ જિલ્લામાં કુદરત અને પ્રગતિના સંગમ સમાન એક ઐતિહાસિક પ્રોજેક્ટનો પાયો નાખ્યો છે. રૂ.રૂ.6,957 કરોડના ખર્ચે તૈયાર થનારા 'કાઝીરંગા એલિવેટેડ કોરિડોર'નું ભૂમિપૂજન કરીને પીએમ મોદીએ સાબિત કર્યું છે કે વિકાસની સાથે પર્યાવરણનું જતન પણ ભારતની પ્રાથમિકતા છે. આ કોરિડોર વિશ્વ પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્ક નજીક બનાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ હાઈવે પર થતા વન્યજીવોના અકસ્માતોને શૂન્ય કરવાનો છે. ૩૫ કિલોમીટર લાંબો આ હાઈટેક કોરિડોર માત્ર રસ્તો નહીં, પરંતુ વન્યજીવો માટે એક 'સેફ પેસેજ' બનશે, જેનાથી ચોમાસા દરમિયાન જ્યારે પાર્કમાં પાણી ભરાય છે ત્યારે પ્રાણીઓ સુરક્ષિત રીતે ઊંચા વિસ્તારોમાં જઈ શકશે.

આ પ્રોજેક્ટની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં ૩૪.૪૫ કિલોમીટરનો ભાગ જમીનથી ઊંચો (Elevated) હશે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-715 પર કાલિયાબોરથી નુમાલીગઢ સુધી લંબાયેલો હશે. પીએમ મોદીએ પોતે આ કોરિડોરના મોડેલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ કોરિડોર બનવાથી પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળશે જ, પણ સાથે સાથે જાખલાબંધા અને બોકાખાટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બાયપાસની સુવિધા પણ મળશે. પીએમ મોદીએ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ કોરિડોર વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટી ભેટ સાબિત થશે અને સ્થાનિક રોજગારીના અનેક નવા દ્વારા ખોલશે.
માર્ગ પરિવહનની સાથે રેલવે ક્ષેત્રે પણ પીએમ મોદીએ આસામને બે 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનોની ભેટ આપી છે. ડિબ્રુગઢથી ગોમતી નગર (લખનૌ) અને કામાખ્યાથી રોહતક વચ્ચે દોડનારી આ ટ્રેનોને પીએમ મોદીએ ડિજિટલી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનો આસામને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા જેવા મહત્વના રાજ્યો સાથે સીધી રીતે જોડશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનો લાંબા અંતરના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટાડશે. આસામની રેલ કનેક્ટિવિટીમાં આ એક મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીની આ બે દિવસીય આસામ મુલાકાત રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સીમાચિહ્નરૂપ બની રહી છે. કાઝીરંગા કોરિડોર અને અમૃત ભારત ટ્રેનો દ્વારા કેન્દ્ર સરકારે પૂર્વોત્તર ભારતના 'અષ્ટલક્ષ્મી' સમાન વિકાસના વિઝનને વધુ મજબૂત કર્યું છે. વડાપ્રધાને કાલિયાબોરમાં ભૂમિપૂજન બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટ્સ આસામની અર્થવ્યવસ્થા અને ઈકો-ટુરિઝમને વિશ્વ ફલક પર લઈ જશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ પ્રોજેક્ટ્સ માટે પીએમ મોદીનો આભાર માનતા કહ્યું કે, આસામના ઈતિહાસમાં આ સૌથી મોટા પર્યાવરણલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૈકીના એક છે.રૂ.

(2:30 PM IST)