News of Sunday, 18th January 2026
ચાર ધામ યાત્રામાં હવે 'સેલ્ફી નહીં લઇ શકાયઃ ગર્ભગૃહમાં મોબાઈલ-કેમેરા લઇ જવા ઉપર પ્રતિબંધ
આ નિર્ણયથી મંદિરની આધ્યાત્મિક ગરીમાની સાથે ભકતોની સુવિધા જળવાશેઃ સમીક્ષા બેઠક બાદ જાહેરાત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની પવિત્ર ચાર ધામ યાત્રાને લઈને આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો હવે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના મંદિર પરિસરમાં મોબાઈલ ફોન કે કેમેરા લઈ જઈ શકશે નહીં. આ નિર્ણય ભક્તોની સુવિધા અને મંદિરની આધ્યાત્મિક ગરિમા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંદિર સંકુલમાં મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગને કારણે દર્શન દરમિયાન વ્યવસ્થા જાળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. લોકો દર્શન કરવાને બદલે ફોટા પાડવા અને વીડિયો બનાવવામાં વધુ સમય વિતાવે છે, જેના કારણે લાઈનો લાંબી થાય છે અને અન્ય ભક્તોને હાલાકી ભોગવવી પડે છે.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને સૂચના આપવામાં આવી છે કે તેઓ મંદિરની બહાર ભક્તોના ફોન અને કેમેરા સુરક્ષિત રીતે રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરે. જો તમારે યાદગીરી માટે ફોટો લેવો હોય, તો તમે મંદિરના મુખ્ય સંકુલમાંથી બહાર નીકળ્યા પછી પૃષ્ઠભૂમિમાં મંદિર દેખાય તે રીતે ફોટા કે વીડિયો લઈ શકશો. પરંતુ મંદિરની અંદર 'ફિલ્માંકન' સંપૂર્ણપણે બંધ રહેશે.
ગયા વર્ષે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામના દર્શન કર્યા હતા. આ વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર ઈચ્છે છે કે દરેક શ્રદ્ધાળુ શાંતિથી અને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ભગવાનના દર્શન કરી શકે. આ પવિત્ર યાત્રા છે, પિકનિક સ્પોટ નહીં, તે સંદેશ આ નિર્ણય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
