<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

વડાપ્રધાન મોદીની સિંગુર રેલી: "બંગાળ પરિવર્તન માટે તૈયાર છે", ૧૦૦ વર્ષમાં ન થયું હોય તેટલું કામ કરવાની નેમ વ્યક્ત કરી: તૃણમૂલ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં વિકાસની ગતિ રૂંધાઈ ગઈ છે અને ભ્રષ્ટાચારનો બોલબાલા છે: સિંગુર એ જ ઐતિહાસિક ભૂમિ છે જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી સામ્યવાદી સરકાર સામે મોટું આંદોલન કર્યું હતું

કોલકત્તા: પશ્ચિમ બંગાળના સિંગુરમાં યોજાયેલી એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને બંગાળમાં પરિવર્તનની લહેર હોવાનો દાવો કર્યો હતો. 

 

સિંગુર એ જ ઐતિહાસિક ભૂમિ છે જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી સરકાર સામે મોટું આંદોલન કર્યું હતું, પરંતુ આજે ત્યાં જ વડાપ્રધાને વિકાસનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

 

વડાપ્રધાન મોદીએ સિંગુરમાં ૮૩૦ કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.

 

જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, "બંગાળના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. અહીંના યુવાનો, ખેડૂતો અને મહિલાઓ વિકાસ ઈચ્છે છે." તેમણે તૃણમૂલ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યમાં વિકાસની ગતિ રૂંધાઈ ગઈ છે અને ભ્રષ્ટાચારનો બોલબાલા છે.

 

પોતાના ભાષણમાં વડાપ્રધાને એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, "આપણે આગામી વર્ષોમાં એટલું કામ કરવાનું છે કે જે છેલ્લા ૧૦૦ વર્ષમાં પણ નહીં થયું હોય." તેમનો ઈશારો બંગાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો અને રેલવે કનેક્ટિવિટી વધારવા તરફ હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બંગાળના વિકાસ માટે સતત નાણાં મોકલી રહી છે, પરંતુ રાજ્ય સરકારના અસહકારને કારણે તે જમીન પર ઉતરી શકતું નથી.

 

સિંગુરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જે ધરતીને ઉદ્યોગોના વિરોધનું કેન્દ્ર બનાવવામાં આવી હતી, ત્યાં આજે યુવાનો રોજગારી માટે વલખાં મારી રહ્યા છે. ભાજપ સરકાર સત્તામાં આવશે તો અહીં ઉદ્યોગો અને ખેતી બંનેનો સમન્વય સાધીને વિકાસ કરશે તેવો વાયદો તેમણે કર્યો હતો. 

 

રેલીમાં ઉમટેલી ભારે ભીડ જોઈને ભાજપના નેતાઓ ઉત્સાહિત દેખાયા હતા. આ રેલી આગામી ચૂંટણીઓ માટેનું રણશિંગુ ફૂંકવા સમાન માનવામાં આવે છે. વડાપ્રધાનના ભાષણ દરમિયાન 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા હતા.

(6:11 PM IST)