News of Sunday, 18th January 2026
પાકિસ્તાનમાં મરિયમ નવાઝના પુત્રના લગ્ન વિવાદમાં: ભારતીય ડિઝાઈનરના કપડાં પહેરવા બદલ લોકો ભડક્યા, સોશિયલ મીડિયા પર હોબાળો: લગ્નના ફોટામાં મરિયમ નવાઝ અત્યંત કિંમતી જ્વેલરી અને લહેંગામાં જોવા મળ્યા
પુત્ર જુનૈદ સફદરે ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઈનરો દ્વારા તૈયાર કરાયેલા મોંઘા ડ્રેસ અને શેરવાની પહેરી હતી: પાકિસ્તાનની જનતા હાલમાં લોટ અને દાળના ભાવ વધારાથી ત્રસ્ત છે, તેમને આ વાત ખૂંચી ગઈ છે.

આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષના નેતાઓના શાહી ઠાઠમાઠ ફરી એકવાર ટીકાનું કેન્દ્ર બન્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના ઉપાધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના લગ્ન હાલમાં પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, આ ચર્ચા લગ્નની ભવ્યતા કરતાં વિવાદને લઈને વધુ છે.
વિવાદનું મુખ્ય કારણ વરરાજા અને પરિવારના અન્ય સભ્યો દ્વારા પહેરવામાં આવેલા પોશાક છે. સોશિયલ મીડિયા પર અનેક અહેવાલો અને ફોટા વાયરલ થયા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મરિયમ નવાઝ અને તેમના પરિવારે આ લગ્ન માટે ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઈનરો દ્વારા તૈયાર કરાયેલા મોંઘા ડ્રેસ અને શેરવાની પહેરી હતી. પાકિસ્તાનની જનતા જે હાલમાં લોટ અને દાળના ભાવ વધારાથી ત્રસ્ત છે, તેમને આ વાત ખૂંચી ગઈ છે.
સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે કે એક તરફ પાકિસ્તાન સરકાર ભારત સાથેના વેપાર અને સંબંધો પર પ્રતિબંધોની વાતો કરે છે, કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કરે છે, અને બીજી તરફ તેમના જ નેતાઓ ભારતીય ડિઝાઈનરોના કપડાં પહેરીને લગ્નમાં માણી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે શું પાકિસ્તાનમાં સારા ડિઝાઈનરો નથી? શા માટે દુશ્મન દેશ ગણાતા ભારતમાંથી કરોડો રૂપિયાના કપડાં મંગાવવામાં આવ્યા?
લગ્નના ફોટામાં મરિયમ નવાઝ અત્યંત કિંમતી જ્વેલરી અને લહેંગામાં જોવા મળ્યા હતા. અહેવાલો મુજબ, જુનૈદ સફદરે પણ ભારતીય ડિઝાઈનરની શેરવાની પહેરી હોવાની ચર્ચા છે. આ શાહી લગ્નમાં કરવામાં આવેલો અઢળક ખર્ચ પણ ટીકાનો વિષય બન્યો છે. વિપક્ષી નેતાઓ અને સામાન્ય નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે દેશની તિજોરી ખાલી છે ત્યારે નેતાઓ આટલી રઈસી ક્યાંથી બતાવી રહ્યા છે. આ વિવાદે પાકિસ્તાનની રાજનીતિમાં પણ ગરમાવો લાવી દીધો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
