News of Sunday, 18th January 2026
મુર્શિદાબાદ કોમી હિંસા: બેલડાંગામાં બે દિવસ પછી સ્થિતિ કાબૂમાં, ૩૦ તોફાનીઓની ધરપકડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
એક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર વિવાદાસ્પદ લખાણને લઈને બબાલ શરૂ થઈતી: જેના કારણે બે સમુદાયો સામસામે આવી ગયા: જોતજોતામાં પથ્થરમારો, આગજની અને દુકાનોમાં તોડફોડની ઘટનાઓ બની: પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવા પડેલ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં ભડકેલી કોમી હિંસા બાદ હવે ધીમે ધીમે શાંતિ સ્થપાઈ રહી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા તણાવ અને છમકલાં બાદ આજે પરિસ્થિતિ સુધરેલી જોવા મળી હતી. પોલીસ અને વહીવટીતંત્રની કડક કાર્યવાહીને પગલે તોફાની તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જનજીવન સામાન્ય થવા તરફ વળી રહ્યું છે.
આ ઘટનાની શરૂઆત એક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર વિવાદાસ્પદ લખાણને લઈને થઈ હતી, જેના કારણે બે સમુદાયો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં પથ્થરમારો, આગજની અને દુકાનોમાં તોડફોડની ઘટનાઓ બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. તકેદારીના ભાગરૂપે પ્રશાસને સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી જેથી અફવાઓ ફેલાતી અટકે.
તાજા અહેવાલ મુજબ, પોલીસે હિંસા ફેલાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ અત્યાર સુધીમાં ૩૦ થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ડ્રોન કેમેરાની મદદથી અન્ય તોફાનીઓની ઓળખ કરી રહી છે.
બેલડાંગા અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ને તૈનાત કરવામાં આવ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બંને સમુદાયના આગેવાનો સાથે શાંતિ બેઠકો યોજવામાં આવી રહી છે. લોકોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. બે દિવસ બાદ દુકાનો ખુલવાની શરૂઆત થઈ છે, જોકે લોકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મુકનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
