News of Sunday, 18th January 2026
ટ્રમ્પનો 'ગ્રીનલેન્ડ માસ્ટરપ્લાન': યુરોપના 8 દેશો પર 10% ટેરિફનો ઝીંકાયો બોજ : જૂન સુધીમાં 25% કરવાની ધમકી
વોશિંગ્ટનથી શરૂ થયેલું આ આર્થિક તોફાન હવે લંડન, પેરિસ અને બર્લિન સુધી પહોંચ્યું : જેના કારણે દવાઓથી લઈને ઓટો પાર્ટ્સ સુધીની તમામ ચીજો મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે

વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં 'ગ્રીનલેન્ડ' સોદાને લઈને યુરોપ સામે મોરચો ખોલ્યો છે. ટ્રમ્પે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડ પર તાત્કાલિક અસરથી 10% આયાત ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે જો 1 જૂન સુધીમાં ગ્રીનલેન્ડને અમેરિકાને સોંપવા અંગે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ દેશો દ્વારા ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય હાજરી વધારીને અમેરિકાના પ્રસ્તાવનો વિરોધ કરવાનું માનવામાં આવે છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડની સુરક્ષા માટે અમેરિકાનું ત્યાં હોવું અનિવાર્ય છે, નહીંતર રશિયા કે ચીન આ વિસ્તાર પર કબજો જમાવી શકે છે.
આ ટેરિફ વોરની સીધી અસર માત્ર યુરોપિયન નિકાસકારો પર જ નહીં, પરંતુ અમેરિકન ગ્રાહકો પર પણ પડશે. અમેરિકામાં આયાત થતી યુરોપિયન મશીનરી, કેમિકલ્સ અને ખાસ કરીને જીવનરક્ષક દવાઓ મોંઘી થઈ શકે છે. નિષ્ણાતોના મતે, અમેરિકામાં ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈનનો મોટો હિસ્સો યુરોપ સાથે જોડાયેલો છે, તેથી આ વધારાના ટેક્સનો બોજ અંતે તો સામાન્ય અમેરિકન જનતાના ખિસ્સા પર જ આવશે. બીજી તરફ, યુરોપિયન ઓટોમોબાઈલ જાયન્ટ્સ જેવી કે ફોક્સવેગન અને બીએમડબલ્યુ માટે અમેરિકામાં સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનશે, જેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ ગાબડાં જોવા મળી રહ્યા છે.
વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ યુરોપ પહેલેથી જ ઉર્જા માટે અમેરિકા પર નિર્ભર છે. હવે આ નવા ટેરિફ વિવાદને કારણે બંને પક્ષો વચ્ચેના વર્ષો જૂના રાજદ્વારી સંબંધોમાં તિરાડ પડી શકે છે. જો આ તણાવ લાંબો સમય ચાલશે તો યુરોપના જીડીપીમાં 0.5 થી 1% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. નાટોના સભ્ય દેશો વચ્ચે સર્જાયેલી આ ખેંચતાણ વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી સમાન છે. હવે જોવાનું એ રહેશે કે જૂન મહિનાની ડેડલાઇન પહેલા યુરોપિયન દેશો નમતું જોખે છે કે પછી વળતા પ્રહાર તરીકે અમેરિકન વસ્તુઓ પર પણ ટેક્સ લાદે છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
