<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

જમ્મુ-કાશ્મીર એનકાઉન્ટર: કિશ્તવાડમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન: જંગલોમાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ઘેરાયા: બંને તરફથી ભીષણ ગોળીબાર સાથે અથડામણ યથાવત ચાલુ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ છે.

 

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના જંગલોમાં ફરી એકવાર ગોળીબારનો અવાજ ગાજી ઉઠ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે કિશ્તવાડના અંતરિયાળ જંગલ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓ છુપાયેલા છે. આ બાતમીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સુરક્ષા જવાનો શંકાસ્પદ સ્થળની નજીક પહોંચ્યા, ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ પણ ત્વરિત જવાબી કાર્યવાહી કરતા મોરચો સંભાળી લીધો હતો.

 

અહેવાલો મુજબ, આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ ઘેરાયેલા હોવાની શક્યતા છે. સુરક્ષા દળોએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે જેથી આતંકવાદીઓ ભાગી ન શકે. બંને તરફથી સતત ગોળીબાર ચાલુ છે અને આ લખાય છે ત્યાં સુધી અથડામણ યથાવત છે.

 

કિશ્તવાડનો ભૌગોલિક વિસ્તાર પહાડી અને જંગલવાળો હોવાથી ઓપરેશનમાં થોડી મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ જવાનો પૂરી તાકાતથી આતંકવાદીઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે, જેના જવાબમાં ભારતીય સેનાએ પણ પોતાની કાર્યવાહી તેજ કરી છે અને આતંકવાદીઓને શોધી શોધીને ઠાર મારવાની રણનીતિ અપનાવી છે.

 

(8:35 PM IST)