News of Sunday, 18th January 2026
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: લાતેહારની ઓરસા ઘાટીના વળાંકમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં પાંચ લોકોનાં કમકમાટીભર્યા મોત, અનેક મુસાફરો ગંભીર

ઝારખંડના લાતેહાર જિલ્લામાં એક હચમચાવી દેનારી દુર્ઘટના બની છે, જ્યાં એક મુસાફરોથી ભરેલી બસ કાબૂ બહાર જઈને ઊંડી ખીણમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
ઝારખંડ રાજ્યના લાતેહાર જિલ્લાના મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ઓરસા ઘાટી રવિવારે મરણચીસોથી ગુંજી ઉઠી હતી. મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે ઓરસા ઘાટીના વળાંકવાળા અને જોખમી રસ્તા પર ચાલકે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના પરિણામે બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો બસની નીચે દબાઈ ગયા હતા.
આ ભીષણ અકસ્માતમાં પાંચ મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. સ્થાનિક લોકોએ અકસ્માતનો અવાજ સાંભળતા જ ઘટનાસ્થળે દોડી જઈને બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. મહુઆડાંડ પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ કુમાર તાત્કાલિક પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય નહીં. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બસની વધુ પડતી ઝડપ અથવા બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
