ઉત્તર પ્રદેશના સંભલમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના: પ્રિન્સિપાલે કેમેરા સામે કહ્યું - 'દુષ્કર્મ તો છુપાઈને થાય છે, હું તો સરાજાહેર કરું છું':
પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી: શિક્ષણ વિભાગ દ્વારા પણ આ મામલે ખાતાકીય તપાસના આદેશ: ચારે કોર નિંદા

લખનઉ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીંના ચંદૌસી વિસ્તારમાં આવેલી એક કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દાનવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અત્યંત વાંધાજનક અને અમર્યાદિત ભાષાનો પ્રયોગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પ્રિન્સિપાલ પોતાની ઓફિસમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન ગુસ્સામાં આવી જઈને મર્યાદાના તમામ બંધનો તોડી નાખતા સંભળાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ વહીવટી બાબતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા પ્રિન્સિપાલે કહ્યું હતું કે, "દુષ્કર્મ તો છુપાઈને થાય છે, હું તો તે ખૂલેઆમ કરું છું." આ ઉપરાંત તેમણે ચંદૌસી શહેર વિશે પણ ટિપ્પણી કરતા તેને "ઘટિયા માનસિકતા ધરાવતું શહેર" ગણાવ્યું હતું. એક જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ દ્વારા આવી હલકી કક્ષાની અને મહિલાઓ પ્રત્યે અસંવેદનશીલ ટિપ્પણી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેઓ અત્યંત આક્રમક અંદાજમાં વાત કરતા અને સામેવાળાને ધમકાવતા પણ જોવા મળે છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વિદ્યાર્થી સંગઠનોએ પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મામલો તૂલ પકડતા અને વીડિયો વાયરલ થતા પોલીસ અને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની આવી વિકૃત માનસિકતા સમાજ માટે ચિંતાનો વિષય બની છે. પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉચ્ચ ડિગ્રી હોવી અને ઉચ્ચ વિચારસરણી હોવી એ બંને અલગ બાબતો છે.
ઘટનાની ગંભીરતાને જોતા શિક્ષણ વિભાગ દ્વારા પણ આ મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રિન્સિપાલના આ નિવેદનની ચારેકોર નિંદા થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
