હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોનાલ્ડ ટ્રમ્પના બોર્ડ ઓફ પીસનું કાયમી સભ્યપદ૯ હજાર કરોડનું!
અમેરિકી પ્રમુખે વિવિધ દેશોને જોડાવા આમંત્રણ મોકલ્યું: વૈશ્વિક વિવાદો ઉકેલવા વર્તમાન સંસ્થાઓથી અલગ માર્ગ હોવાનો પત્રમાં ઉલ્લેખ

નવી દિલ્હી તા. ૧૯: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા સંકટના ઉકેલ માટે પ્રસ્તાવિત કરવામાં આવેલું શ્નબોર્ડ ઓફ પીસ અત્યારે વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રમ્પ જે રીતે ભારત, પાકિસ્તાન, ઇટાલી અને તૂર્કીયે જેવા દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે, તેનાથી એવી આશંકાઓ મજબૂત થઈ રહી છે કે આ માત્ર ગાઝા પૂરતી મર્યાદિત કોઈ પહેલ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પડકારતી એક નવી વૈશ્વિક વ્યવસ્થા હોઈ શકે છે.
સામાન્ય રીતે આ બોર્ડને ગાઝામાં યુદ્ધવિરામ અને ત્યારપછીની વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવી રહ્યું છે. જોકે, ટ્રમ્પના આમંત્રણ પત્રોમાં જે ભાષાનો પ્રયોગ થયો છે તે કંઈક અલગ જ ઈશારો કરે છે. તેમાં લખવામાં આવ્યું છે કે, આ વૈશ્વિક વિવાદોને ઉકેલવા માટેની એક નવી અને સાહસિક પદ્ધતિ છે, જે વર્તમાન સંસ્થાઓ(જેમ કે UN) કરતા અલગ માર્ગ બતાવે છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ‘‘બોર્ડ ઓફ પીસ''નું આ સૂચિત માળખું અત્યંત વિવાદાસ્પદ બની રહ્યું છે, કારણ કે તેમાં સભ્યપદ માટે નાણાકીય માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ જે દેશ ૧ અબજ ડોલર(આશરે ૮૩૦૦ કરોડ રૂપિયા)નું યોગદાન આપશે, તેમને જ બોર્ડમાં સ્થાયી સભ્યપદ આપવામાં આવશે, જ્યારે કોઈપણ નાણાકીય યોગદાન વગરના દેશોને માત્ર ૩ વર્ષ માટે અસ્થાયી સભ્યપદ મળી શકશે.
આ મોડેલની વિશ્વ સ્તરે આકરી ટીકા થઈ રહી છે, કારણ કે ટીકાકારોનું માનવું છે કે આનાથી વૈશ્વિક શાસન વ્યવસ્થા માત્ર ‘‘પૈસા'' અને આર્થિક શક્તિના આધારે ચાલતી થઈ જશે. જોકે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો આ પદ્ધતિનો બચાવ કરતા જણાવી રહ્યા છે કે, આ વ્યવસ્થા જટિલ આંતરરાષ્ટ્રીય વિવાદોમાં બિનજરૂરી વિલંબ અટકાવી ઝડપી અને અસરકારક નિર્ણયો લેવાનું એક સક્ષમ માધ્યમ સાબિત થશે.
રસપ્રદ વાત એ છે કે ભારત અને અન્ય દેશોને મોકલવામાં આવેલા આમંત્રણમાં ઉલ્લેખ છે કે UNSCએ અમેરિકાની ૨૦ મુદ્દાની ગાઝા યુદ્ધવિરામ યોજનાનું સમર્થન કર્યું છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ UNSCની માન્યતાનો ઉપયોગ તો કરી રહ્યા છે, પરંતુ જમીની નિર્ણયો લેવા માટે એક સમાંતર મંચ ઊભો કરી રહ્યા છે.
ટ્રમ્પ પ્રશાસને અત્યાર સુધીમાં ૩૧ યુએન(UN) એજન્સીઓમાંથી અમેરિકાને અલગ કરી દીધું છે અને ફંડિંગમાં મોટો કાપ મૂકયો છે. બીજી તરફ, UNSCમાં ભારત, બ્રાઝિલ અને તૂર્કીયે જેવા દેશોને લાંબા સમયથી સ્થાયી સભ્યપદથી દૂર રાખવામાં આવ્યા છે. ટ્રમ્પે આ તમામ દેશોને ‘‘બોર્ડ ઓફ પીસ''માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આથી સવાલ ઉઠી રહ્યો છે કે શું ટ્રમ્પ ધીમે-ધીમે સંયુક્ત રાષ્ટ્રની શક્તિ ઘટાડીને એક નવો ‘‘વર્લ્ડ ઓર્ડર'' બનાવવા જઈ રહ્યા છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
