<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

૨૪-૨૫-૨૬-૨૭ જાન્‍યુઆરી એમ સતત ૪ દિવસ બેંકોં બંધ રહેશેઃ સેવાઓ ઠપ્‍પ થશે

૨૭મીએ ફાઇવ-ડે બેકિંગ મુદ્દે હડતાલનું એલાનઃ આગલા ૩ દિવસ રજા છે : શુક્રવાર સુધીમાં બેન્‍કીંગ કામકાજ પતાવી લેવું હિતાવહ

નવી દિલ્‍હી તા.૨૦: જો તમારે જાન્‍યુઆરીના છેલ્‍લા સપ્તાહમાં બેન્‍કને લગતું કોઈ કામકાજ છે તો ઝડપથી પૂર્ણ કરી લેજો કારણ કે બેન્‍ક સંગઠનોએ એક દિવસીય સંભવિત હડતાળનું એલાન કર્યું છે,  ઉલ્‍લેખનીય છે કે બેન્‍ક હડતાળ એક દિવસની હોઈ શકે પણ બેન્‍કનું કામકાજ ચાર દિવસ સુધી ઠપ રહી શકે, કારણ કે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્‍ક યુનિયન્‍સ (UFBU) ૨૭ જાન્‍યુઆરી ૨૦૨૬એ હડતાળ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી બેન્‍ક કર્મચારીઓ હડતાળ પર જઈ શકે છે. જેના આગળના ત્રણ દિવસ(૨૪-૨૫-૨૬ જાન્‍યુઆરી) સત્તાવાર રીતે રજાઓ છે. એટલે બેન્‍કનું કામકાજ ૨૩ જાન્‍યુઆરી શુક્રવાર સુધીમાં આટોપી લેવું હિતાવહ છે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્‍સ (UFBU) દ્વારા જાહેર ૨૭ જાન્‍યુઆરી ૨૦૨૬એ સંભવિત બેન્‍ક હડતાળના નિર્ણયનું મુખ્‍ય કારણ સપ્તાહમાં ૫ દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિગ)નો નિયમ લાગુ કરવાનું છે.  UFBUએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે હાલ બેન્‍ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ ૨૦૨૪માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્‍ડિયન બેન્‍ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્‍સ (UFBU) વચ્‍ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્‍યેક દિવસ ૪૦ મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્‍યો નથી, પણ દુભાગ્‍યપૂર્ણ છે કે સરકારે વાસ્‍તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્‍યાન આપ્‍યું નથી.

૨૪ જાન્‍યુઆરીએ ચોથો શનિવાર, ૨૫ જાન્‍યુઆરીએ રવિવાર અને ૨૬ જાન્‍યુઆરીઃ સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ હોવાથી રજા છે તે ઉપરાંત ૨૭ જાન્‍યુઆરીના રોજ બેન્‍કની રાષ્ટ્રવ્‍યાપી હડતાળ થાય તો વધુ એક દિવસ બેન્‍કનું કામ અવરોધાઈ શકે છે. જેવામાં બેન્‍ક શાખાઓ સંપૂર્ણ રૂપે ૨૮ જાન્‍યુઆરીથી ખૂલશે તેવી શક્‍યતાઓ છે. ચાર દિવસ સતત બેન્‍કનું કામ રોકાવવાથી કેશ, ચેક ક્‍લીયરન્‍સ, ડ્રાફટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.

બેન્‍ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્‍સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બેન્‍ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્‍ક યુનિયન્‍સ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્‍યંત જરૂરી છે.

૯ બેન્‍ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

જણાવી દઈએ કે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્‍ક યુનિયન્‍સ (UFBU)એ ભારતના ૯ પ્રમુખ બેન્‍ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બેન્‍ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્‍વ કરે છે. હાલ તો UFBUએ ૨૭ જાન્‍યુઆરીના ૨૦૨૬ના રોજ અખિલ ભારતીય હડતાળનું આહ્વાન કરવાનો નિર્ણય લીધો છે. જેથી સંભવિત બેન્‍ક હડતાળ બેન્‍કિંગ સેક્‍ટરમાં અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજનો નિયમ લાગુ કરવા સહિતની અન્‍ય માગ સાથે થઈ શકે છે, સરકાર દ્વારા લાંબા સમયથી બેન્‍ક સંગઠનોના મુદ્દાઓને ટાળવામાં આવતા મજબૂરીમાં ત્રણ દિવસની સત્તાવાર રજા સિવાય વધુ એક દિવસ બેન્‍કનું કાર્ય બંધ રહી શકે.

(9:58 AM IST)