<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

રેલવેની દાદાગીરી: નેશનલ રેકોર્ડ હોલ્ડર ખેલાડીઓને સામાન સાથે ટ્રેનમાંથી નીચે ઉતાર્યા, કલાકો સુધી સ્ટેશન પર રઝળતા મૂક્યા

પોલ વોલ્ટર દેવ મીના અને કુલદીપ યાદવ સાથે પનવેલ સ્ટેશન પર ગેરવર્તન; લાખોની કિંમતના સ્પોર્ટ્સ સાધનોને 'અનધિકૃત સામાન' ગણાવી રેલવે અધિકારીઓએ ફટકાર્યો દંડ

 
પનવેલ, તા. 20: એક તરફ ભારત ઓલિમ્પિક્સ જેવી મોટી ઈવેન્ટ્સની યજમાનીના સપના જોઈ રહ્યું છે, તો બીજી તરફ દેશનું ગૌરવ વધારનારા એથ્લેટ્સ સાથે રેલવે સ્ટેશનો પર ગુનેગારો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત ઓલ ઈન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને પરત ફરી રહેલા ભારતના ટોચના પોલ વોલ્ટર્સ, દેવ મીના અને કુલદીપ યાદવને રેલવેના કડવા અનુભવનો સામનો કરવો પડ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
નેશનલ રેકોર્ડ ધારક દેવ મીના અને ગોલ્ડ મેડલિસ્ટ કુલદીપ યાદવ બેંગલુરુથી ભોપાલ જવા નીકળ્યા હતા. તેમની પાસે અંદાજે 5 મીટર લાંબા 'પોલ' (થાંભલા) હતા, જે પોલ વોલ્ટની રમત માટે અનિવાર્ય છે. એક પોલની કિંમત આશરે ₹2 લાખ જેટલી હોય છે. મુસાફરી દરમિયાન ટીટીઈ (TTE) એ આ સાધનોને "અનધિકૃત સામાન" ગણાવી વાંધો ઉઠાવ્યો હતો. ખેલાડીઓએ વિનંતી કરી, દંડ ભરવાની તૈયારી બતાવી, છતાં રેલવે અધિકારીઓએ તેમની એક ન સાંભળી અને તેમને પનવેલ સ્ટેશન પર સામાન સાથે નીચે ઉતારી દીધા.
સ્ટેશન પર 5 કલાકનો વનવાસ
દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને કલાકો સુધી પનવેલ સ્ટેશન પર રઝળવું પડ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેવ મીનાએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે, "જો આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી સાથે આવું થતું હોય, તો જુનિયર ખેલાડીઓ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? અમે અહીં 4-5 કલાકથી લાચાર બેઠા છીએ, કોઈ મદદ માટે તૈયાર નથી." રેલવેની આ જિદ્દને કારણે ખેલાડીઓ પોતાની કનેક્ટિંગ ટ્રેન પણ ચૂકી ગયા હતા.
શરતો સાથે મળી મંજૂરી
લાંબી માથાકૂટ અને આકરો દંડ વસૂલ્યા પછી તેમને બીજી ટ્રેનમાં જવાની મંજૂરી અપાઈ, પરંતુ તે પણ એક વિચિત્ર શરત સાથે! રેલવેએ કહ્યું કે જો કોઈ મુસાફર આ સામાનને કારણે જગ્યા રોકાતી હોવાની ફરિયાદ કરશે, તો ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેલાડીઓએ રોષ સાથે જણાવ્યું કે ફ્લાઈટમાં પણ તેમને આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ખેલાડીઓની હતાશા
કુલદીપ યાદવે સવાલ ઉઠાવ્યો કે, "અમે ક્યાં જઈએ? અમે પૈસા ચૂકવવા તૈયાર છીએ, પણ અમારા સામાનના પરિવહન માટે કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ ને?" એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થવાની તૈયારી કરી રહેલા આ ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરવાને બદલે સિસ્ટમ સામે લડવા મજબૂર બન્યા છે, જે ભારતીય રમતજગત માટે શરમજનક બાબત છે.

(3:43 PM IST)