News of Tuesday, 20th January 2026
ઉત્તર પ્રદેશના ઈટાહ જિલ્લાના કોતવાલી નગર વિસ્તારમાં આવેલા નાગલા પ્રેમી ગામમા ભયાનક હત્યાકાંડ : અજાણ્યા હુમલાખોરોએ એક જ પરિવારના ચાર સભ્યોની ઈંટ વડે ઠંડા કલેજે હત્યા કરી
અમે સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે. પોલીસ આ કેસ ઉકેલવાની ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે : અનુપમ કુલશ્રેષ્ઠ, એડીજી

નવી દિલ્હી તા.૨૦
ઉત્તર પ્રદેશના ઈટાહ જિલ્લાના કોતવાલી નગર વિસ્તારમાં આવેલા નાગલા પ્રેમી ગામમાં રવિવારે બપોરે એક ભયાનક હત્યાકાંડ સર્જાયો છે. અજાણ્યા હુમલાખોરોએ એક જ પરિવારના ચાર સભ્યોની ઈંટ વડે ઠંડા કલેજે હત્યા કરી નાખી છે. મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમની પુત્રવધૂ અને 22 વર્ષની પૌત્રીનો સમાવેશ થાય છે.
ઘટનાની ભયાનકતા: ચહેરા ઓળખવા પણ મુશ્કેલ
ઘટનાસ્થળના દ્રશ્યો એટલા ભયાનક હતા કે પોલીસ અને ગ્રામજનો પણ કાંપી ઉઠ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર 70 વર્ષીય ગંગા સિંહ શાક્યનો લોહીથી લથપથ મૃતદેહ ખાટલા પર મળી આવ્યો હતો. તેમના માથા પર ઈંટ વડે વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. પહેલા માળે ઓરડામાં દ્રશ્ય વધુ હૃદયદ્રાવક હતું. ત્યાં રત્ના દેવી (48) અને તેમની પુત્રી જ્યોતિ (22) ના મૃતદેહો લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. વૃદ્ધા શ્યામા દેવી (65) ગંભીર હાલતમાં મળી આવ્યા હતા, જેનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હુમલાખોરોએ ઈન્ટરલોકિંગ ઈંટનો ઉપયોગ કરીને એટલી ક્રૂરતાથી હુમલો કર્યો હતો કે મૃતકોના ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.
12 વર્ષના પૌત્રએ જોયું ભયાનક દ્રશ્ય
આ સામુહિક હત્યાકાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગંગા સિંહનો 12 વર્ષનો પૌત્ર દેવાંશ શાળાએથી ઘરે પરત ફર્યો. ઘરનો દરવાજો ખોલતા જ દાદા, મમ્મી અને બહેનને લોહીલુહાણ હાલતમાં જોઈ તે ચીસો પાડતો બહાર દોડી આવ્યો હતો. તેના રડવાનો અવાજ સાંભળી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
લૂંટ નહીં પણ માત્ર હત્યાનો ઈરાદો?
લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ સમાચાર
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં કોઈ પણ કિંમતી વસ્તુની ચોરી થઈ નથી કે સામાન સાથે છેડછાડ કરવામાં આવી નથી. હુમલાખોર માત્ર હત્યા કરવાના ઈરાદે જ આવ્યો હોય તેમ જણાય છે. કોઈ સંઘર્ષના ચિહ્નો ન હોવાથી પોલીસને આશંકા છે કે આમાં કોઈ નજીકની વ્યક્તિ જ સંડોવાયેલી હોઈ શકે છે.
પોલીસ તપાસ અને ઉચ્ચ અધિકારીઓની મુલાકાત
ઘટનાની ગંભીરતાને જોતા આગ્રાના એડીજી અનુપમ કુલશ્રેષ્ઠ, ડીઆઈજી અલીગઢ અને એસએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
અનુપમ કુલશ્રેષ્ઠ, એડીજીએ જણાવ્યું કે, "અમે સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે. પોલીસ આ કેસ ઉકેલવાની ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે." હાલમાં ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૃતકોની યાદી:
1) ગંગા સિંહ શાક્ય (70 વર્ષ) - દાદા
2) શ્યામા દેવી (65 વર્ષ) - દાદી
3) રત્ના દેવી (48 વર્ષ) - પુત્રવધૂ
4) જ્યોતિ (22 વર્ષ) - પૌત્રી
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
