<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના : રખડતા કૂતરાઓએ એક માસૂમ બાળકીનું જીવન છીનવી લીધું

અન્ય બાળકો તો જીવ બચાવીને ભાગી ગયા, પરંતુ નાની નુસરત કૂતરાઓના પંજામાં ફસાઈ ગઈ કૂતરાઓ માસૂમને મોઢામાં દબાવીને નજીકના તળાવ પાસે ખેંચી ગયા

નવી દિલ્હી તા.૨૦ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે, જ્યાં રખડતા કૂતરાઓએ એક માસૂમ બાળકીનું જીવન છીનવી લીધું છે. દિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના કાઝીપુરા ગામમાં કૂતરાઓના હિંસક હુમલાએ સમગ્ર પંથકને થથરાવી દીધો છે.

રમતી માસૂમ પર કૂતરાઓનો કહેર

નૌશાદ નામના વ્યક્તિની 4 વર્ષની દીકરી નુસરત સોમવારે સાંજે તેના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ સમયે અચાનક રખડતા કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો. અન્ય બાળકો તો જીવ બચાવીને ભાગી ગયા, પરંતુ નાની નુસરત કૂતરાઓના પંજામાં ફસાઈ ગઈ. આ હિંસક કૂતરાઓ માસૂમને મોઢામાં દબાવીને નજીકના તળાવ પાસે ખેંચી ગયા હતા.

તળાવ પાસેનું ભયાનક દ્રશ્ય

જ્યારે નુસરત મોડી સાંજ સુધી ઘરે ન આવી, ત્યારે પિતા અને પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી. શોધતા-શોધતા જ્યારે તેઓ તળાવ પાસે પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને હૃદય બેસી જાય તેવું હતું. અડધો ડઝન કૂતરાઓ નુસરતને વળગી રહ્યા હતા અને તેને ફાડી રહ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કૂતરાઓને ભગાડ્યા અને લોહીલુહાણ હાલતમાં બાળકીને છોડાવી, પરંતુ હોસ્પિટલ લઈ જતાં પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.

પરિવાર પર આભ ફાટ્યું

નુસરત તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. ઘરની સૌથી લાડકી દીકરીના આવા કરુણ મોતથી પરિવારમાં આભ ફાટ્યું છે. માતા-પિતાનો રડી-રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. મંગળવારે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કે પોસ્ટમોર્ટમ વિના જ બાળકીના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં રખડતા કૂતરાઓના આતંક સામે ભારે રોષ જગાવ્યો છે.

(4:58 PM IST)