<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

તમિલનાડુ વિધાનસભામાં હાઈવોલ્ટેજ ડ્રામા: રાજ્યપાલે ભાષણ વાંચ્યા વગર જ કર્યું વોકઆઉટ, રાજભવને સરકારને ભીંસમાં લેતા ગણાવ્યા 13 કારણો

" મારુ માઈક બંધ કરી દેવાયુ, સરકારના દાવા પોકળ છે": આર.એન. રવિએ DMK સરકાર સામે મોરચો ખોલ્યો; રાષ્ટ્રગીતના અપમાનથી લઈને દલિત અત્યાચાર સુધીના મુદ્દે મચ્યો હોબાળો

ચેન્નાઈ, તા. 20: તમિલનાડુની રાજનીતિમાં આજે ફરી એકવાર રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે વિધાનસભાના સત્રની શરૂઆતમાં રાજ્યપાલ આર.એન. રવિએ પરંપરાગત સંબોધન વાંચવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાના ગણતરીની મિનિટોમાં જ રાજભવન દ્વારા 13 મુદ્દાઓનું એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારની કામગીરી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
કેમ ભડક્યા રાજ્યપાલ? મુખ્ય કારણો
રાજભવનના નિવેદન અનુસાર, રાજ્યપાલે વોકઆઉટ કરવા પાછળ માત્ર રાષ્ટ્રગીતનો વિવાદ જ નહીં, પરંતુ સરકારની નિષ્ફળતાઓ જવાબદાર છે:
•    માઈક્રોફોન બંધ કરવાનો આરોપ: રાજ્યપાલે દાવો કર્યો કે જ્યારે તેઓ બોલવા માંગતા હતા ત્યારે વારંવાર તેમનો માઈક્રોફોન બંધ કરી દેવામાં આવ્યો હતો.
•    રાષ્ટ્રગીતનું અપમાન: રાજ્યપાલની માંગ હતી કે ભાષણની શરૂઆતમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે, પરંતુ સરકારે તમિલ ગીત (તમિલ થાઈ વઝ્થુ) વગાડવાનો આગ્રહ રાખ્યો હતો.
•    ખોટા આર્થિક દાવા: સરકારે ₹12 લાખ કરોડના રોકાણનો જે દાવો કર્યો છે તેને રાજભવને 'સત્યથી વેગળો' ગણાવ્યો છે. નિવેદન મુજબ, તમિલનાડુ FDI મેળવવામાં ચોથા ક્રમેથી લપસીને છઠ્ઠા ક્રમે આવી ગયું છે.
મહિલા સુરક્ષા અને ડ્રગ્સનો ગંભીર મુદ્દો
રાજ્યપાલે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં POCSO હેઠળ બળાત્કારના કેસોમાં 55% અને છેડતીમાં 33% નો વધારો થયો છે, જેનો સરકારી ભાષણમાં કોઈ ઉલ્લેખ નહોતો. વધુમાં, યુવાનોમાં વધતા ડ્રગ્સના દુરુપયોગ અને તેના કારણે થતી આત્મહત્યાઓ પર પણ સરકારે મૌન સેવ્યું છે.
"ભારતની આત્મહત્યા રાજધાની"
રાજભવનના અહેવાલ મુજબ, તમિલનાડુમાં દરરોજ સરેરાશ 65 લોકો આત્મહત્યા કરે છે, જે વર્ષે 20,000 જેટલો આંકડો થાય છે. આ આંકડાઓને કારણે રાજ્ય 'આત્મહત્યા રાજધાની' બની રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય દલિતો પરના અત્યાચાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી પડેલી 50% શિક્ષકોની જગ્યાઓ જેવા મહત્વના મુદ્દાઓને ભાષણમાં અવગણવામાં આવ્યા હતા.
સ્ટાલિન સરકારનો વળતો પ્રહાર
રાજ્યપાલના વોકઆઉટ પછી, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું મૂળ ભાષણ જ સત્તાવાર રેકોર્ડ પર લેવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ત્રીજી ઘટના છે જ્યારે રાજ્યપાલ રવિએ વિધાનસભામાં ભાષણ વાંચ્યું નથી.
આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યપાલ અને ચૂંટાયેલી સરકાર વચ્ચેનો આ વિવાદ તમિલનાડુના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

(5:30 PM IST)