News of Tuesday, 20th January 2026
ભારત-UAE મિત્રતાનો નવો અધ્યાય: વડાપ્રધાન મોદી અને શેખ મોહમ્મદ વચ્ચે ઐતિહાસિક મુલાકાત; 2032 સુધીમાં વેપાર $200 અબજ સુધી લઈ જવાનો સંકલ્પ
ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લઈને અબુ ધાબીમાં ‘હાઉસ ઓફ ઈન્ડિયા’ સુધી; ભારત અને આરબ જગત વચ્ચેના સંબંધોને મજબૂત કરતી 15 મોટી જાહેરાતો

નવી દિલ્હી, તા. 20: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો હવે માત્ર વેપાર પૂરતા મર્યાદિત ન રહેતા એક અતૂટ વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાયા છે. UAE ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાતે બંને દેશો વચ્ચે પ્રગતિના નવા દ્વાર ખોલી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ 15 એવી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે જે આગામી દાયકાનું ચિત્ર બદલી નાખશે.
ગુજરાત અને ધોલેરા માટે બુસ્ટર ડોઝ
આ મુલાકાતમાં ગુજરાત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. UAE હવે ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) માં ભાગીદાર બનશે. આ પ્રોજેક્ટ હેઠળ:
• આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલનું નિર્માણ.
• ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ અર્બન ટાઉનશીપનો વિકાસ.
• રેલવે કનેક્ટિવિટી અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ.
આર્થિક અને ડિજિટલ ક્રાંતિ
વર્ષ 2024-25 માં બંને દેશો વચ્ચેનો વેપાર $100 અબજને પાર કરી ગયો છે, જેને હવે 2032 સુધીમાં $200 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે સીમલેસ પેમેન્ટ માટે રાષ્ટ્રીય પેમેન્ટ પ્લેટફોર્મને જોડવામાં આવશે. એક અનોખી પહેલ તરીકે, બંને દેશો વચ્ચે 'ડિજિટલ એમ્બેસી' સ્થાપવાની શક્યતા પણ તપાસવામાં આવશે.
અવકાશ અને પરમાણુ ઊર્જામાં ભાગીદારી
ભારત અને UAE હવે અંતરિક્ષમાં પણ સાથે કદમ મિલાવશે. સંયુક્ત મિશન અને સ્પેસ ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે બંને દેશો સંમત થયા છે. એટલું જ નહીં, અદ્યતન પરમાણુ રિએક્ટર અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR) ના વિકાસ માટે પણ ટેકનિકલ સહયોગ કરવામાં આવશે.
શિક્ષણ અને સંસ્કૃતિનો સેતુ
• હાઉસ ઓફ ઈન્ડિયા: અબુ ધાબીમાં ભારતની સંસ્કૃતિના પ્રતીક સમાન 'હાઉસ ઓફ ઈન્ડિયા'ની સ્થાપના કરાશે.
• શિક્ષણ: IIT દિલ્હી અને IIM અમદાવાદના અબુ ધાબી કેમ્પસ બાદ હવે યુનિવર્સિટીઓ વચ્ચે વિદ્યાર્થીઓના આદાનપ્રદાનમાં વધારો કરાશે.
• ડિજીલોકર: ભારતીય ડિગ્રીઓના વેરિફિકેશન માટે ભારતના ડિજીલોકરને UAE ના પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે, જેથી ત્યાં કામ કરતા ભારતીયોને સરળતા રહે.
સંરક્ષણ અને સુરક્ષા
મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે 'લેટર ઓફ ઈન્ટેન્ટ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે. લોથલ ખાતે બની રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ માટે UAE ઐતિહાસિક કલાકૃતિઓ પૂરી પાડશે, જે બંને દેશોના દરિયાઈ ઈતિહાસના સંબંધોને ઉજાગર કરશે.
વડાપ્રધાન મોદીએ UAE ના સોવરિન વેલ્થ ફંડ્સને ભારતના બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું છે, જે 2026 માં લોન્ચ થવા જઈ રહ્યું છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
