શેરબજારમાં ‘બ્લેક ટ્યુઝડે’: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા
નવ મહિનાનો સૌથી મોટો ઘટાડો: નિફ્ટી 25,100ના મહત્વના સ્તર તરફ ગગડ્યો; ઓલા ઈલેક્ટ્રિકના શેરમાં ઐતિહાસિક ધોવાણ અને આઈટી-ઓટો સેક્ટરમાં ભારે વેચવાલી

મુંબઈ : ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. વૈશ્વિક દબાણ અને સ્થાનિક સ્તરે નબળા સેન્ટિમેન્ટને કારણે દલાલ સ્ટ્રીટમાં આજે હાહાકાર મચી ગયો હતો. મંગળવારના ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી-50 ઈન્ડેક્સ તમામ મુખ્ય સપોર્ટ લેવલ તોડીને નીચે ઉતરી આવ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, હવે નિફ્ટી તેની 200-દિવસની મુવિંગ એવરેજ (200-DMA) તરફ વધી રહ્યો છે, જે 25,100 ના સ્તર પર છે.
રોકાણકારોની સંપત્તિનું ભારે ધોવાણ
આજના આક્રમક વેચાણને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં અંદાજે ₹10 લાખ કરોડનું ધોવાણ થયું છે. ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં રોકાણકારોએ કુલ ₹20 લાખ કરોડથી વધુની સંપત્તિ ગુમાવી દીધી છે. આજના ઘટાડાને આંકડાની નજરે જોઈએ તો:
• 9 મહિનાનો રેકોર્ડ: આજે નિફ્ટીમાં થયેલો ઘટાડો નવ મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. અગાઉ 7 એપ્રિલ, 2025ના રોજ ઈન્ડેક્સમાં 3.2%નો કડાકો જોવા મળ્યો હતો.
• શેરોની હાલત: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર માત્ર 264 શેર વધ્યા હતા, જ્યારે તેની સામે 2,236 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
સેક્ટર મુજબની પાયમાલી
આજે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આલ્ફા-50, એનર્જી, ઓટો, આઈટી, પીએસયુ બેંક અને રિયલ્ટી - આ તમામ છ મુખ્ય ઈન્ડેક્સના દરેક શેર આજે નુકસાન સાથે બંધ થયા છે.
• ન્યુજેન સોફ્ટવેર: નિફ્ટી-500માં આ શેર સૌથી વધુ 15% તૂટ્યો હતો.
• ઓલા ઈલેક્ટ્રિક: ઓલા ઈલેક્ટ્રિકના શેરમાં સતત 10 દિવસથી ઘટાડો ચાલુ છે. આ શેર તેની ઉચ્ચતમ સપાટી ₹157થી 80% નીચે આવી ગયો છે અને હવે તેના લિસ્ટિંગ ભાવ ₹76 કરતા પણ અડધો થઈ ગયો છે.
મિડકેપ અને સ્મોલકેપની હાલત
બજારમાં એટલો ડર હતો કે નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પર માત્ર 3-3 શેર જ માંડ ગ્રીન ઝોનમાં બંધ રહી શક્યા હતા. મિડકેપમાં મેનકાઈન્ડ ફાર્મા અને ભારતી હેક્સાકોમે સામાન્ય ટેકો આપ્યો હતો, જ્યારે સ્મોલકેપમાં જિંદાલ સો (4.2%) વધારા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો.
માર્કેટ એનાલિટ્સ માની રહ્યા છે કે જો નિફ્ટી 25,100ના સ્તરને ટકાવી રાખવામાં નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં હજુ પણ વધુ વેચવાલી જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
