કાશ્મીરમાં લોહીની હોળી ખેલવાનું આતંકી કાવતરું નિષ્ફળ: પ્રજાસત્તાક દિવસ પહેલા બારામુલ્લા હાઈવે પરથી IED મળતા ફફડાટ, સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર સુરક્ષા દળોના કાફલાને ઉડાવી દેવાનો હતો પ્લાન; સમયસર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે વિસ્ફોટક નિષ્ક્રિય કરતા મોટી જાનહાનિ ટળી, સમગ્ર ખીણમાં હાઈ-એલર્ટ

શ્રીનગર : ૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના પવિત્ર પર્વ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય થયા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓના એક મોટા અને ઘાતક કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે. શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર ટપ્પર વિસ્તારમાં રોડની બાજુમાં પ્લાન્ટ કરવામાં આવેલ એક શક્તિશાળી IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
પેટ્રોલિંગ ટીમે સમયસૂચકતા વાપરી
મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની નિયમિત પેટ્રોલિંગ ટીમ જ્યારે હાઈવે પર તપાસ કરી રહી હતી ત્યારે તેમને રસ્તાની બાજુમાં એક શંકાસ્પદ બોક્સ નજરે પડ્યું હતું. આ બોક્સની આસપાસની ગંભીરતા જોઈને તુરંત જ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. તપાસમાં તે અત્યંત જોખમી IED હોવાનું સાબિત થયું હતું, જેને જવાનોએ ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી દીધો હતો. જો આ વિસ્ફોટ થયો હોત તો સુરક્ષા દળોના વાહનો કે પેટ્રોલિંગ ટીમને મોટી જાનહાનિ થઈ શકી હોત.
જૈશના આતંકીઓનો પર્દાફાશ
કાશ્મીરમાં આતંકીઓ કઈ હદે છુપાઈને કાવતરા ઘડી રહ્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં જ સેનાએ એક આતંકી બંકર શોધી કાઢ્યું હતું. આ બંકરમાંથી ૫૦ મેગીના પેકેટ, ૨૦ કિલો ચોખા અને ગેસ સિલિન્ડર જેવી સામગ્રી મળી આવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે આતંકીઓ ઘણા મહિનાઓ સુધી અંદર છુપાઈ રહીને મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા.
પ્રજાસત્તાક દિવસ પર ISI ની નજર?
ગુપ્તચર એજન્સીઓએ પહેલેથી જ ચેતવણી આપી છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI બાંગ્લાદેશના રસ્તે ભારતમાં મોટા હુમલાની યોજના બનાવી રહી છે. ખાસ કરીને ૨૬ જાન્યુઆરીની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટે આતંકવાદીઓ હાઈવે અને ભીડભાડ વાળા વિસ્તારોને નિશાન બનાવી શકે છે. આ ઘટના બાદ કાશ્મીર ખીણમાં સુરક્ષા અભૂતપૂર્વ રીતે વધારી દેવામાં આવી છે. કિશ્તવાડમાં પણ 'ઓપરેશન ત્રશી-૧' અંતર્ગત ૩ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે અને પેરા કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે.
હાલમાં હાઈવે પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષા દળોએ દરેક શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે ટેકનોલોજી અને ડ્રોનનો ઉપયોગ શરૂ કરી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
