હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યરૂશલમમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) મુખ્યાલય પર ઇઝરાયેલના બુલડોઝર ફર્યા : વર્ષો જૂની કાયદાકીય લડાઈ બાદ ઇમારતને જમીંદોસ્ત કરવાની કામગીરી શરૂ
ઇઝરાયેલે આ કાર્યવાહીને 'ઐતિહાસિક દિવસ' ગણાવ્યો, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને 'અભૂતપૂર્વ હુમલો' કહી વખોડી કાઢ્યો

યરૂશલમ, તા. 20 જાન્યુઆરી : પૂર્વી યરૂશલમમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રની મહત્વની સંસ્થા 'યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર ફિલીસ્તાન રિફ્યુજી' (UNRWA) ના મુખ્યાલય પર ઇઝરાયેલે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઇઝરાયેલી સેના બુલડોઝર અને ભારે મશીનરી સાથે આ કેમ્પસમાં પ્રવેશી હતી અને ઇમારતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગવિરે આ ઘટનાસ્થળની મુલાકાત લઈ આ દિવસને 'યરૂશલમની સંપ્રભુતા માટેનો ઐતિહાસિક દિવસ' ગણાવ્યો હતો.
શા માટે લેવાયો આ નિર્ણય?
ઇઝરાયેલ લાંબા સમયથી UNRWA પર આક્ષેપ કરી રહ્યું છે કે આ સંસ્થા હમાસ સાથે મળીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. ઑક્ટોબર ૨૦૨૪ ના અંતમાં ઇઝરાયેલની સંસદ 'નેસેટ' દ્વારા બે નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા, જે મુજબ ઇઝરાયેલી વિસ્તારમાં UNRWA ના સંચાલન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ઇઝરાયેલનું માનવું છે કે આ એજન્સી પેલેસ્ટિનિયનોને પુનઃસ્થાપિત કરવાને બદલે તેમને શરણાર્થીનો દરજ્જો આપીને સંઘર્ષને કાયમી રાખવાનું કામ કરે છે.
ઇઝરાયેલ સરકારનો પક્ષ
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, UNRWA-હમાસે પહેલેથી જ આ સ્થળે પોતાનું સંચાલન બંધ કરી દીધું હતું અને ત્યાં કોઈ યુએન કર્મચારી હાજર નહોતા. રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન-ગવિરે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, "આતંકવાદીઓના સમર્થકોને તેમના દ્વારા બનાવાયેલી તમામ ચીજો સાથે અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. દરેક આતંકવાદી સમર્થક સાથે આવો જ વ્યવહાર કરવામાં આવશે." ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું કે આ કમ્પાઉન્ડને કોઈ વિશેષ સુરક્ષા (Immunity) પ્રાપ્ત નથી અને આ જપ્તી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જ છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) ની પ્રતિક્રિયા
સંયુક્ત રાષ્ટ્રએ ઇઝરાયેલની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. યુએન મુજબ, આ મુખ્યાલય અને તેની મિલકતો પવિત્ર છે અને તે કોઈપણ હસ્તક્ષેપથી સુરક્ષિત હોવી જોઈએ. UNRWA ના જણાવ્યા અનુસાર, તેઓ ગાઝા, વેસ્ટ બેંક, જોર્ડન, લેબનાન અને સીરિયામાં આશરે ૫૯ લાખ પેલેસ્ટિનિયન શરણાર્થીઓને શિક્ષણ, આરોગ્ય અને માનવીય સહાય પૂરી પાડે છે. ઇઝરાયેલનો આ હુમલો સંસ્થાના પાયા પરનો ઘા છે.
ટેક્સ વિવાદ અને ઝંડા લહેરાવવાની ઘટના
નોંધનીય છે કે ગયા મહિને ઇઝરાયેલી અધિકારીઓએ આ કમ્પાઉન્ડ પર દરોડા પાડીને ઇઝરાયેલનો ઝંડો લહેરાવ્યો હતો. તે સમયે ઇઝરાયેલે તેને મ્યુનિસિપલ ટેક્સ વિવાદ ગણાવ્યો હતો, પરંતુ યુએન એ આ દાવાને નકારી કાઢ્યો હતો. હાલમાં આ ઇમારતને તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે, જેનાથી પશ્ચિમ એશિયામાં રાજકીય ગરમાવો વધી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
