<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

બાંદામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન: "જે દિવસે તિરંગામાં ચાંદ આવી ગયો, તે દિવસે ન શર્મા બચશે ન વર્મા", હિન્દુઓને એક થવા હાકલ

બાગેશ્વર ધામ સરકારના સનાતન કાર્ડથી રાજકીય ગરમાવો; બાંગ્લાદેશનું ઉદાહરણ આપી જ્ઞાતિવાદ છોડી રાષ્ટ્રવાદ અપનાવવા ભક્તોને અપીલ

બાંદા (યુપી) : ઉત્તર પ્રદેશના બાંદામાં એક કાર્યક્રમ દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર પોતાના તીખા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. સનાતન ધર્મ અને હિન્દુ એકતા પર ભાર મૂકતા તેમણે અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો હિન્દુઓ જ્ઞાતિ-જાતિમાં વહેંચાયેલા રહેશે, તો ભવિષ્યમાં ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભીડને સંબોધતા કહ્યું કે, "હિન્દુઓએ પોતાની ઓળખ જ્ઞાતિથી નહીં પણ ધર્મથી આપવી જોઈએ. જે દિવસે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગામાં ચાંદ (બીજા પક્ષનું પ્રતીક) આવી ગયો, તે દિવસે ન તો કોઈ શર્મા બચશે, ન વર્મા બચશે, ન ક્ષત્રિય કે ન તો રૈદાસવાળા બચશે." તેમણે આગળ ઉમેર્યું કે જ્યારે સંકટ આવે છે ત્યારે તે કોઈ જ્ઞાતિ જોઈને નથી આવતું, તે આખા સમાજને ભરખી જાય છે.
પોતાની વાતને મજબૂતી આપવા માટે તેમણે પાડોશી દેશ બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "બાંગ્લાદેશમાં જે બન્યું તે સૌથી મોટું ઉદાહરણ છે. ત્યાં અરાજકતા ફેલાઈ ત્યારે કોઈએ અગડા (ઉચ્ચ જ્ઞાતિ) કે પછાત વર્ગ જોયો નહોતો. ત્યાં અમાનવીય અત્યાચારો થયા. જો આપણે અત્યારે નહીં જાગીએ, તો ઈતિહાસ આપણને માફ નહીં કરે."
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો કે દેશમાં જ્ઞાતિવાદને બદલે રાષ્ટ્રવાદ  હોવો જોઈએ. તેમણે લોકોને અપીલ કરી કે પક્ષ અને જ્ઞાતિના રાજકારણથી ઉપર ઉઠીને ધર્મના રક્ષણ માટે એકઠા થવું અનિવાર્ય છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો તેને એકતાનો સંદેશ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ઉશ્કેરણીજનક કહી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે શંકરાચાર્ય વિવાદ અને અન્ય ધાર્મિક મુદ્દાઓ ગરમાયેલા છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના આ 'સનાતન કાર્ડ' એ નવી ચર્ચા જગાવી છે.

(8:08 PM IST)