News of Tuesday, 20th January 2026
દીર્ધાયુષ્યનું નવું ગણિત: માત્ર 5 મિનિટની વધારાની ઊંઘ અને 2 મિનિટનું ચાલવું તમને આપી શકે છે 9 વર્ષનું રોગમુક્ત જીવન
લેન્સેટના લેટેસ્ટ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો; જીમમાં કલાકો ગાળવાને બદલે ઊંઘ, આહાર અને ચાલવામાં કરેલા નાના ફેરફારો જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપશે

નવી દિલ્હી:શું તમે જાણો છો કે ભારતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષની આસપાસ હોવા છતાં, મોટાભાગના ભારતીયો તેમના જીવનના છેલ્લા 10 વર્ષ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ સાથે હોસ્પિટલના ખાટલે વિતાવે છે? આ આંકડા ચિંતાજનક છે, પરંતુ વિશ્વવિખ્યાત મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'માં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસે આયુષ્ય વધારવાનો અત્યંત સરળ અને આશ્ચર્યજનક માર્ગ બતાવ્યો છે.
સંશોધકોએ 59,000 લોકોના જીવનશૈલી ડેટાનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું છે કે, લાંબુ જીવવા માટે તમારે કોઈ પર્વતો ખેડવાની જરૂર નથી. અભ્યાસ મુજબ, જો તમે તમારી દૈનિક ઊંઘમાં માત્ર 5 મિનિટનો વધારો કરો અને તમારા ચાલવાના સમયમાં રોજની 2 મિનિટ ઉમેરો, તો આ મામૂલી દેખાતા ફેરફારો તમારા આયુષ્ય અને સ્વાસ્થ્યમાં એક વર્ષનો વધારો કરી શકે છે. જે લોકો દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ અને 20 મિનિટ ઝડપથી ચાલવાની આદત ધરાવે છે, તેમનું મેટાબોલિક સ્વાસ્થ્ય અન્યો કરતા ઘણું સારું જોવા મળ્યું છે.
સ્વાસ્થ્યના ત્રણ મજબૂત સ્તંભ
અભ્યાસ દર્શાવે છે કે માત્ર આહાર કે માત્ર કસરત પૂરતી નથી, પરંતુ ત્રણ બાબતોનું સંતુલન જરૂરી છે:
• સંપૂર્ણ ઊંઘ: રોજની 7 થી 8 કલાકની ઊંઘ શરીરના હોર્મોન્સને સંતુલિત કરે છે અને આંતરિક સમારકામમાં મદદ કરે છે.
• નિયમિત પ્રવૃત્તિ: દિવસમાં માત્ર 20-22 મિનિટનું ઝડપી ચાલવું ગ્લુકોઝ લેવલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
• સાત્વિક આહાર: આહારમાં ફળો, શાકભાજી અને ફાઈબરનું પ્રમાણ વધારવાથી ગંભીર રોગોનું જોખમ ઘટે છે.
9 વર્ષની વધારાની આઝાદી
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે લોકો શ્રેષ્ઠ જીવનશૈલી (પૂરતી ઊંઘ, 40 મિનિટ કસરત અને સારો આહાર) પાળે છે, તેઓ ખરાબ જીવનશૈલી ધરાવતા લોકો કરતા સરેરાશ 9 વર્ષ વધુ રોગમુક્ત જીવે છે. આનો અર્થ એ કે વૃદ્ધાવસ્થામાં પણ તમે હૃદય રોગ, કેન્સર કે ડિમેન્શિયા જેવી બીમારીઓ વગર સ્વતંત્ર રીતે જીવી શકો છો.
ભારત જેવા દેશમાં જ્યાં મેડિકલ ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે, ત્યાં આ '5 મિનિટ અને 2 મિનિટ'નો મંત્ર દરેક ભારતીય માટે જીવન સંજીવની સમાન સાબિત થઈ શકે છે. યાદ રાખો, સ્વસ્થ રહેવા માટે જીવન બદલવાની જરૂર નથી, બસ નાની આદતોમાં સુધારો કરવાની જરૂર છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
