<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

અક્ષય કુમારની સિક્યુરિટી કારનો જુહુમાં ભયાનક અકસ્માત: રિક્ષાના કૂચડા બોલી ગયા, 'બેદરકાર' ડ્રાઇવરની ધરપકડ

વર્ષગાંઠની ઉજવણી કરી પરત ફરી રહેલા ખેલાડી કુમારના કાફલાને નડ્યો અકસ્માત; બે લોકો ગંભીર રીતે ઘાયલ, પોલીસ તપાસ તેજ

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના માટે મુંબઈ પરત ફરવું આઘાતજનક રહ્યું છે. સોમવારે રાત્રે મુંબઈના જુહુ વિસ્તારમાં અક્ષય કુમારના સુરક્ષા કાફલામાં સામેલ એક વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા 'બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ' કરવા બદલ રાધેશ્યામ રાય નામના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
અહેવાલો મુજબ, આ એક 'ચેઇન ટક્કર' (Chain Collision) હતી. સોમવારે રાત્રે 8 થી 8.30 વાગ્યાની આસપાસ એક લક્ઝરી મર્સિડીઝ કારે અક્ષય કુમારના કાફલામાં રહેલી ઇનોવા કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇનોવા કાર આગળ જઈ રહેલી એક ઓટો રિક્ષા સાથે અથડાઈ અને રિક્ષા પલટી ગઈ હતી.
ઘાયલ રિક્ષાચાલકના ભાઈ મોહમ્મદ સમીરે જણાવ્યું કે, રિક્ષા નીચે તેનો ભાઈ અને એક પેસેન્જર ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં આખી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે.
પોલીસ કાર્યવાહી અને કાયદાકીય ગાળિયો
જુહુ પોલીસ સ્ટેશને આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે:
•    કલમ 281: જાહેર માર્ગ પર બેદરકારીથી વાહન ચલાવવું.
•    કલમ 125(A) અને 125(B): અન્યના જીવને જોખમમાં મૂકવો અને ગંભીર ઈજા પહોંચાડવી.
ખુશીના માહોલ વચ્ચે આઘાત
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના તેમની લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા વિદેશ ગયા હતા. મુંબઈ પરત ફર્યાના થોડા જ કલાકોમાં આ અઘટિત ઘટના બની હતી. જોકે, રાહતની વાત એ છે કે અક્ષય અને ટ્વિંકલ સુરક્ષિત છે, પરંતુ આ ઘટના અંગે હજુ સુધી અભિનેતા કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
અત્યારે અકસ્માત સ્થળના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ક્ષતિગ્રસ્ત વાહનો અને પોલીસની તપાસ જોઈ શકાય છે.

(9:45 PM IST)