<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેક્રોન વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળ્યું

..તો ફ્રેન્ચ વાઈનના વેપારને મોટો ફટકો પડશે..: ટ્રમ્પે મેક્રોન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે "ઈમેન્યુઅલ ત્યાં વધારે સમય સુધી રહેવાના નથી અને ત્યાં કોઈ સ્થિરતા નથી ! : અમેરિકાએ ફ્રાન્સને આપ્યુ અલ્ટીમેટમ, જી-૭ બેઠકમાં જવાનો ટ્રમ્પનો ઇનકાર: મેક્રોની કહ્યું ગુંડાગીરી સામે ફ્રાન્સ ઝૂકશે નહીં, સન્માનથી વાત કરો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે, જેની અસર વૈશ્વિક વેપાર અને રાજદ્વારી સંબંધો પર જોવા મળી રહી છે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને અમેરિકાનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. મેક્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગુંડાગીરી સામે ફ્રાન્સ ઝૂકશે નહીં, સન્માનથી વાત કરો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન થવું જોઈએ." તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દુનિયા હાલ તાનાશાહી તરફ આગળ વધી રહી છે અને ફ્રાન્સ કોઈના દબાણમાં આવીને પોતાની સંપ્રભુતા સાથે બાંધછોડ કરશે નહીં.

આ વિવાદનું મૂળ કારણ 'નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા' (એનસીએજી) અથવા 'પીસ બોર્ડ' છે, જેની રચના ગાઝાના વહીવટ અને પુનઃનિર્માણ માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ફ્રાન્સ આ બોર્ડમાં જોડાય, પરંતુ ફ્રાન્સે તેનો ઇનકાર કર્યો છે. આ બોર્ડમાં જોડાવા માટે દેશોએ ૧ અબજ ડોલર (આશરે ૮૪૦૦ કરોડ રૂપિયા) ની સભ્યપદ ફી આપવી પડશે તેવો અહેવાલ બ્લૂમબર્ગે આપ્યો હતો, જોકે વ્હાઇટ હાઉસે આ અહેવાલને ભ્રામક ગણાવ્યો છે. 

ટ્રમ્પે નારાજ થઈને ફ્રાન્સની પ્રખ્યાત વાઈન અને શેમ્પેઈન પર ૨૦૦ ટકા જેટલો તોતિંગ ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. જો આ ટેરિફ લાગુ થાય તો ફ્રાન્સના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે, કારણ કે અમેરિકા ફ્રેન્ચ વાઈન માટે એક મોટું બજાર છે.

બીજી તરફ, આ તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ પેરિસમાં યોજાનારી જી-૭ ઇમરજન્સી મીટિંગમાં સામેલ થશે નહીં. ટ્રમ્પે મેક્રોન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે "ઈમેન્યુઅલ ત્યાં વધારે સમય સુધી રહેવાના નથી અને ત્યાં કોઈ સ્થિરતા નથી." 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મેક્રોનનો એક ખાનગી મેસેજ પણ લીક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ગાઝા પીસ બોર્ડમાં ભારત, રશિયા અને પાકિસ્તાન સહિત ૬૦ દેશોને આમંત્રણ આપ્યું છે અને તેમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાને પણ સ્થાન અપાયું છે. હાલ યુરોપ અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

 

(10:41 AM IST)