<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

હવેથી વકીલ બનવા માટેની પરીક્ષા વર્ષમાં બે વાર યોજાશેઃ બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા

નવી દિલ્‍હી તા.૨૧:  બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાએ મંગળવારે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તેણે અંતિમ વર્ષના કાયદાના વિદ્યાર્થીઓને ઓલ ઈન્‍ડિયા બાર એક્‍ઝામ આપવાની સુવિધા કરી આપતા નિયમો બનાવ્‍યા છે અને આ પરીક્ષા હવે વર્ષમાં બે વખત યોજાશો ઓલ ઇન્‍ડિયા બાર એક્‍ઝામ કાયદાની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને વકીલ તરીકે નોંધણી મેળવવા માટેની લાયકી પરીક્ષા છે.

ન્‍યાયમૂર્તિ સર્વશ્રી વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્‍ચ ૨૦૨૪માં દાખલ કરાયેલી એક રિટ અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને બાર એક્‍ઝામ આપવા મંજૂરી આપવાની દાદ માંગવામાં આવી હતી. બેન્‍ચે રજૂઆત નોંધી અને અરજીનો નિકાલ કર્યો હતો. કાઉન્‍સિલ વતી ઉપસ્‍થિત રહેલાં વકીલે રજૂઆત કરી કે, ‘‘બાર એક્‍ઝામ વર્ષમાં બે વખત લેવામાં આવશે અને એલએલબીના અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને તેમની અંતિમ પરીક્ષા પાસ કરવાની શરતે આ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશેૅ વકીલે વધુમાં જણાવ્‍યું હતું કે આ હેતુસર કાઉન્‍સિલ દ્વારા બીસીઆઇ નિયમ- ૨૦૨૬ બનાવવામાં આવ્‍યા છે

૨૦૨૪માં, અદાલતે તે વર્ષ યોજાયેલી બાર એક્‍ઝામમાં એલએલબીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી આપતા આંતરિક આદેશો આપ્‍યા હતા. જ્‍યારે ૨૦૨૩માં, સુપ્રીમ કોર્ટે કાઉન્‍સિલને આ બાબતે નિયમો ઘડવા માટે સૂચના આપી હતી.

(10:43 AM IST)