પ્રજાસત્તાક દિવસે ભારતની તાકાત દુનિયા જોશે: પરેડમાં પ્રથમવાર હાઈપરસોનિક મિસાઈલનું પ્રદર્શન
આંખના પલકારામાં દુશ્મન જહાજોનો નાશ કરવાની ક્ષમતા: મારક ક્ષમતા ૧,૫૦૦ કિલોમીટર સુધીની

નવી દિલ્હી: ભારત આગામી અઠવાડિયે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે આ વર્ષની પરેડ સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને શક્તિનું ભવ્ય પ્રદર્શન બની રહેશે. આ વર્ષે પરેડમાં પ્રથમ વખત ભારતની અત્યાધુનિક હાઈપરસોનિક મિસાઈલનું પ્રદર્શન કરવામાં આવશે, જે દુનિયાભરના દેશોનું ધ્યાન ખેંચશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી આ 'લોંગ રેન્જ એન્ટી-શીપ હાઈપરસોનિક ગ્લાઈડ મિસાઈલ' ભારતની સુરક્ષા વ્યવસ્થામાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.
આ અત્યાધુનિક મિસાઈલની વિશેષતાઓ દુશ્મન દેશોના હોશ ઉડાવી દે તેવી છે. તેની મારક ક્ષમતા ૧,૫૦૦ કિલોમીટર સુધીની છે, એટલે કે તે દૂર બેઠા-બેઠા જ લક્ષ્યને વીંધી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મિસાઈલ અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે ગતિ કરે છે. તેની ગતિ અને એરોડાયનેમિક કાર્યક્ષમતાને કારણે તેને રડારમાં પકડવી અત્યંત મુશ્કેલ છે અને તે આંખના પલકારામાં સમુદ્રમાં તૈનાત દુશ્મનના મોટા યુદ્ધ જહાજોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ વિવિધ પ્રકારના પેલોડ વહન કરવા માટે પણ સક્ષમ છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત ઘાતક બનાવે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ મિસાઈલનું પ્રદર્શન કરીને ભારત વિશ્વ સમક્ષ પોતાની સૈન્ય તાકાત અને ટેકનોલોજીકલ પ્રગતિનો પરચો આપશે. ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં બદલાતા ભૌગોલિક રાજકીય સમીકરણો વચ્ચે, એન્ટી-શીપ હાઈપરસોનિક મિસાઈલનું હોવું ભારતની દરિયાઈ સુરક્ષાને અનેકગણી મજબૂત બનાવશે. ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેકનોલોજી ભારતને અમેરિકા, રશિયા અને ચીન જેવા ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં મૂકી દે છે જેમના પાસે આવી હાઈપરસોનિક ક્ષમતા છે. આ પરેડમાં ભારતીય નાગરિકોને પોતાની સેનાના આધુનિકીકરણની ઝલક જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
