<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

કાશ્મીરમાં દુષ્કાળના ડાકલા: ઔષધીય જૈવવિવિધતા પર ગંભીર ખતરો

વિશ્વ વિખ્યાત 'ગુચ્છી' મશરૂમ વિલુપ્ત થવાના આરે: ક્લાઈમેટ ચેન્જને કારણે કિંમતી જડીબુટ્ટીઓ માત્ર ઊંચા જંગલો પૂરતી સીમિત બની: ૩૦૦થી વધુ પ્રજાતિઓ પર સંકટ

જમ્મુ, ૨૧ જાન્યુઆરી: એક બે દિવસમાં જ ભારે હિમવર્ષાની આગાહી થઈ છે ત્યારે કાશ્મીર ખીણમાં લાંબા સમયથી ચાલી રહેલી સૂકી ઋતુ અને દુષ્કાળની સ્થિતિએ હવે માત્ર ખેતી જ નહીં પરંતુ ઔષધીય જૈવવિવિધતા માટે પણ 'ગંભીર ખતરો' ઊભો કર્યો છે. પર્યાવરણ નિષ્ણાતોએ લાલ બત્તી ધરતા ચેતવણી આપી છે કે, સતત બદલાતા હવામાન અને વરસાદના અભાવે કાશ્મીરની અનેક કિંમતી ઔષધીય વનસ્પતિઓની પ્રજાતિઓમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે અને કેટલીક તો હવે વિલુપ્ત થવાની અણી પર આવી ઊભી છે.

નિષ્ણાતોના મતે, આ દુષ્કાળની સૌથી માઠી અસર પીર પંજલ વિસ્તારમાં જોવા મળી રહી છે. અહીં જોવા મળતા દુનિયાના સૌથી મોંઘા અને પ્રખ્યાત 'ગુચ્છી' (મોરેલ) મશરૂમના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. 

એક અભ્યાસ મુજબ, વિશ્વના વિકાસશીલ દેશોમાં લગભગ ૮૦ ટકા લોકો હજુ પણ સ્વાસ્થ્ય સારવાર માટે પરંપરાગત હર્બલ દવાઓ પર નિર્ભર છે કારણ કે તે સસ્તી અને આડઅસર વગરની હોય છે. 

ભારતીય હિમાલય ક્ષેત્રને ઔષધીય જૈવવિવિધતાનો મોટો ભંડાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં નોંધાયેલી ૮,૬૪૪ વનસ્પતિઓમાંથી ૧,૭૪૮માં ઔષધીય ગુણો છે, જ્યારે માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ ૩૦૦થી વધુ મહત્વની ઔષધીય વનસ્પતિઓ થાય છે.

સંશોધક ઝહૂર અહેમદ રેશીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ પીર પંજાલ અને હિમાલયના મેદાનમાં જે જડીબુટ્ટીઓ વિપુલ પ્રમાણમાં મળતી હતી તે હવે દુર્લભ બની છે. તેમાં હૃદયરોગ માટે વપરાતી 'આર્નેબિયા બેન્થમી', કેન્સર અને માસિક ધર્મના વિકારોમાં ઉપયોગી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર 'ટ્રિલિયમ ગોવાનિયાનમ' તેમજ ઉધરસ, અસ્થમા અને પાચનતંત્ર માટે રાહત આપતી 'સાસુરિયા કોસ્ટસ' જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 'કોર્ડિસેપ્સ મિલિટેરિસ' અને સ્થાનિક ભાષામાં 'કંગેચ' તરીકે ઓળખાતી ગુચ્છી પણ હવે સરળતાથી મળતી નથી.

છેલ્લા ૨૫ વર્ષમાં ક્લાઈમેટ ચેન્જે આ વનસ્પતિઓના કુદરતી આવાસને બદલી નાખ્યો છે. છેલ્લા બે દાયકાથી વરસાદ અને ઠંડીની પેટર્ન બદલાતા આ પ્રજાતિઓ હવે માત્ર અત્યંત ઊંચાઈવાળા જંગલો પૂરતી સીમિત થઈ ગઈ છે અને તે પણ બહુ ઓછી માત્રામાં બચી છે. નિષ્ણાતોનું માનવું છે કે, તાપમાન અને પ્રકાશ જેવી કુદરતી સ્થિતિનું નિર્માણ કરીને નિયંત્રિત ઇન્ડોર ફાર્મિંગ દ્વારા આ લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવી શકાય છે, પરંતુ આ ઉપાય અત્યંત ખર્ચાળ છે. કુદરતી વાતાવરણમાં થઈ રહેલો આ બદલાવ પર્યાવરણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટા પડકારો સર્જી રહ્યો છે. (સુરેશ ડુગર જમ્મુ કાશ્મીર દ્વારા)

 

(10:54 AM IST)