<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

લિવ-ઇનમાં રહેતી મહિલાઓને સુરક્ષા ત્‍યારે જ મળશે, જયારે તેમને પત્‍નીનો દરજ્જો આપવામાં આવે

મદ્રાસ HCએ કહ્યું-લિવ-ઇનમાં મહિલા ત્‍યારે જ સુરક્ષિત, જયારે પત્‍ની માનેઃપુરુષો આધુનિક બનીને સંબંધ બાંધે છે, તૂટવા પર ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે

ચેન્નઈઃ તા.ર૧,મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્‍ચે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને સુરક્ષા ત્‍યારે જ મળશે, જયારે તેમને પત્‍નીનો દરજ્જો આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આવા સંબંધોમાં મહિલાઓને વૈવાહિક સુરક્ષા મળતી નથી તેથી કોર્ટની જવાબદારી બને છે કે મહિલાઓને સંરક્ષણ આપે.

જસ્‍ટિસ એસ. શ્રીમથીએ આ ટિપ્‍પણી એક આરોપીની આગોતરા જામીન અરજી ફગાવતા કરી. વ્‍યક્‍તિ પર આરોપ છે કે તે મહિલા સાથે પહેલા લિવ-ઇનમાં રહ્યો. પછી લગ્નનું ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા.

આ અંગે કોર્ટે કહ્યું કે પુરુષો પહેલા મોડર્ન બનીને લિવ-ઇનનો સંબંધ બનાવે છે. પછી સંબંધ ખરાબ થતા મહિલાના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે. તેઓ આવું એટલા માટે કરી શકે છે કારણ કે કાયદામાં લિવ-ઇનને લઈને કોઈ નિયમો નથી.

કોર્ટની ૩ મોટી કમેન્‍ટ...

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને ભલે સમાજ સંપૂર્ણપણે સ્‍વીકારી ન રહ્યો હોય પરંતુ હવે તે સામાન્‍ય બની ગયા છે.

પુરુષો સંબંધમાં રહીને પોતાને આધુનિક માની શકે છે. પરંતુ જયારે વસ્‍તુઓ બગડવા લાગે છે ત્‍યારે તેઓ મહિલાઓને શરમાવવા માં કે દોષ આપવા માં મોડું કરતા નથી.

આરોપીએ સંબંધમાં આવ્‍યા પછી લગ્ન કરવાની ના પાડી. જોકે, કલમ ૬૯ (છેતરપિંડીથી જાતીય સંબંધ બાંધવા) હેઠળ કેસ ચલાવી શકાય છે.

શું હતો આખો મામલો

પીડિતાએ જણાવ્‍યું કે તે અને આરોપી શાળામાંથી એકબીજાને ઓળખતા હતા, બાદમાં રિલેશનશિપમાં આવ્‍યા. ઓગસ્‍ટ ૨૦૨૪માં બંને દ્યરેથી ભાગ્‍યા અને લગ્ન કરવાનું મન બનાવ્‍યું. પરંતુ મહિલાના પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવી અને પોલીસે કપલને પકડીને દ્યરે પહોંચાડી દીધા.

પછીથી આરોપી પરીક્ષા આપવાના બહાને લગ્ન ટાળતો રહ્યો. આ દરમિયાન તેમના વચ્‍ચે શારીરિક સંબંધો પણ બન્‍યા. સંબંધ પછીથી તૂટી ગયો અને મહિલાએ છેતરપિંડીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી.

આરોપીએ આગોતરા જામીન માગ્‍યા અને કહ્યું કે સંબંધ સહમતિથી હતો. તેને મહિલાના અગાઉના બોયફ્રેન્‍ડ વિશે જાણકારી મળી, જેના કારણે તેણે સંબંધ તોડી નાખ્‍યો. આરોપીએ બેરોજગારી અને આર્થિક તણાવનો હવાલો આપતા લગ્ન ન કરવાના કારણો જણાવ્‍યા.

કોર્ટે જામીન અરજી શા માટે ફગાવી દીધી

જામીન અરજીને ફગાવતા અદાલતે કહ્યું કે BNSની કલમ ૬૯ છેતરપિંડીથી જાતીય સંબંધ બાંધવાને અલગ ગુનો બનાવે છે, ભલે તે બળાત્‍કાર બરાબર ન હોય.

જસ્‍ટિસ શ્રીમથીએ કહ્યું કે પહેલા આવા કેસોને IPCની છેતરપિંડી અથવા બળાત્‍કારની કલમો હેઠળ જોવામાં આવતા હતા. નવા ફોજદારી કાયદા હેઠળ સંસદે લગ્નના ખોટા વચન આપીને જાતીય સંબંધ બાંધવાને અલગ ગુનો બનાવ્‍યો છે.

જેથી આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો, તેથી કોર્ટે કહ્યું કે કલમ ૬૯ હેઠળ કેસ ચલાવવો ફરજિયાત હતો અને ગુનાની ગંભીરતાને જોતાં કસ્‍ટોડિયલ તપાસ જરૂરી હતી. 

 

(3:04 PM IST)