<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ટ્રેનનું ટોયલેટ કે OYO રૂમ? કપલે 2 કલાક સુધી અંદર ભરાઈ રહીને મચાવ્યો હોબાળો, યુવતીના ‘મારી મરજી’ વાળા જવાબથી સોશિયલ મીડિયા પર ફાટી નીકળ્યો આક્રોશ

મુસાફરો હેરાન-પરેશાન, રેલવે સ્ટાફે દરવાજો ખોલાવ્યો તો યુવતીએ શરમ ને બદલે બતાવ્યો એટીટ્યુડ: ‘હું અંદર કોને રાખું એ મારી પસંદગી છે’ - વાયરલ વીડિયોએ કર્યા શિષ્ટાચારના લીરેલીરા

નવી દિલ્હી: ભારતીય રેલવેની એક સફર દરમિયાન શરમજનક અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પ્રેમી પંખીડાએ ટ્રેનના જાહેર શૌચાલયને પોતાનો ખાનગી રૂમ સમજીને અંદરથી આશરે બે કલાક સુધી તાળું મારી દીધું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાથી મુસાફરોની અસુવિધા અને કપલની નિર્લજ્જતા જોઈ લોકોનો પિત્તો ગયો છે.
 
મુસાફરોની ધીરજ ખૂટી, રેલવે સ્ટાફ એક્શનમાં
ઘટનાની વિગતો મુજબ, ટ્રેનના એક કોચમાં આવેલા ટોયલેટનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્યો ન હતો. બહાર મુસાફરોની લાંબી લાઇન લાગી હતી અને લોકો પરેશાન થઈ રહ્યા હતા. આશરે ૧૨૦ મિનિટ સુધી દરવાજો ન ખુલતા મુસાફરોને કોઈ અનિચ્છનીય ઘટનાની શંકા ગઈ અને તેમણે રેલવે સ્ટાફને જાણ કરી. જ્યારે સ્ટાફે કડકાઈ બતાવી દરવાજો ખોલાવ્યો, ત્યારે અંદરથી એક યુવક અને યુવતી સાથે બહાર નીકળતા જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
 
યુવતીનો ઉદ્ધત જવાબ: ‘માય ચોઈસ’
દરવાજો ખુલતા જ પકડાઈ ગયેલા યુવકે બચાવમાં બહાનું કાઢ્યું કે તેની મહિલા મિત્રને માસિક ધર્મ (Periods) ના કારણે દુખાવો થઈ રહ્યો હતો, તેથી તે અંદર હતો. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે યુવતીએ કોઈ પણ પ્રકારની શરમ અનુભવવાને બદલે મુસાફરો સામે દલીલ શરૂ કરી. તેણે ઉદ્ધત લહેકામાં કહ્યું, "જો મને કોઈ તકલીફ હોય, તો હું અંદર કોને લઈ જાઉં એ મારી પસંદગી (My Choice) છે."
 
નેટિઝન્સનો ફૂટ્યો ગુસ્સો: ‘આ જાહેર મિલકત છે, તમારો બેડરૂમ નહીં’
આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોએ કપલની આકરી ટીકા કરી છે. યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે:
•    એક યુઝરે લખ્યું: "ટ્રેનનું બાથરૂમ OYO રૂમ નથી! તમારી મરજી તમારા ઘર સુધી મર્યાદિત રાખો, અહીં સેંકડો મુસાફરો હેરાન થાય છે."
•    બીજાએ કટાક્ષ કર્યો: "આધુનિકતાના નામે જાહેર શિષ્ટાચારના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે. આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ."
•    ત્રીજાએ લખ્યું: "સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે અન્યના અધિકારોનું હનન કરો."
આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની નૈતિકતા અને જાહેર મિલકતના દુરુપયોગ અંગેના ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(7:37 PM IST)