૨૬ જાન્યુઆરી પહેલા દિલ્હી ‘હાઈ એલર્ટ’ પર: મેટ્રો સ્ટેશનો અને બજારોમાં લાગ્યા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટરો, જનતાને સાવધ રહેવા આદેશ!
AQIS અને ખાલિસ્તાની આતંકીઓ રાજધાનીને નિશાન બનાવવાની ફિરાકમાં: અર્શ ડલ્લા અને મોહમ્મદ રેહાન સહિતના આતંકીઓ પર પોલીસની નજર - શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તુરંત જાણ કરવા અપીલ

નવી દિલ્હી:આગામી ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની પૂર્વતૈયારીઓ વચ્ચે દિલ્હીમાં આતંકવાદી ખતરાની ગંભીર સૂચનાઓ મળતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને શહેરના મુખ્ય રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા બજારોમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટરો લગાવ્યા છે. આ વખતે પોલીસે લિસ્ટમાં એવા આતંકીઓને સામેલ કર્યા છે જેઓ વિદેશમાં બેસીને ભારત વિરોધી ષડયંત્રો ઘડી રહ્યા છે.
આ વખતે સુરક્ષા એજન્સીઓએ જે પોસ્ટરો લગાવ્યા છે તેમાં AQIS (ભારતીય ઉપખંડમાં અલ-કાયદા) સાથે સંકળાયેલા દિલ્હીના જ રહેવાસી મોહમ્મદ રેહાનનો ફોટો મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યો છે. રેહાન આતંકવાદી મોડ્યુલ ચલાવવાના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ છે. આ ઉપરાંત, યાદીમાં નીચે મુજબના નામોનો પણ સમાવેશ થાય છે:
• અર્શ ડલ્લા: ખાલિસ્તાન ટાઇગર ફોર્સનો વડો, જે વિદેશથી ગેંગસ્ટર-આતંકી નેટવર્ક ચલાવે છે.
• અબુ સુફિયાન: ઝારખંડનો રહેવાસી અને AQIS નો સક્રિય સભ્ય.
• શરજીલ અખ્તર: સંભાલનો આતંકી જે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે.
મેટ્રો અને બજારોમાં લોખંડી પહેરો: દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા લાખો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેશન પર વધારાના સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે, પરંતુ જો કોઈ બિનવારસી વસ્તુ (જેમ કે બેગ, ડબ્બો કે રમકડું) જોવા મળે, તો તેને અડ્યા વગર તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે.
ગુપ્તચર અહેવાલો મુજબ, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો જેશ-એ-મોહમ્મદ અને બબ્બર ખાલસા ૨૬ જાન્યુઆરીના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે ફિરાકમાં છે. દિલ્હી પોલીસે સરહદી વિસ્તારોમાં 'નાકાબંધી' તેજ કરી છે અને હોટલો તેમજ ધર્મશાળાઓમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. પોલીસનો એક જ હેતુ છે - સલામત અને શાંતિપૂર્ણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
