CBSE બોર્ડ પરીક્ષા 2026: ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડની ઘડીઓ ગણાઈ રહી છે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે જાહેર - જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ
વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર: 17 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાનો જંગ - ખાનગી ઉમેદવારો માટે હોલ ટિકિટ પહેલેથી જ ઉપલબ્ધ, સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા સૂચના

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે પ્રવેશપત્ર (Admit Card) ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ફેબ્રુઆરી પહેલા તમામ વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ મળી જશે. ઉલ્લેખનીય છે કે, ખાનગી ઉમેદવારો (Private Candidates) માટેના પ્રવેશપત્ર 19 જાન્યુઆરીના રોજથી જ પોર્ટલ પર લાઈવ કરી દેવામાં આવ્યા છે.
પરીક્ષાનું ટાઇમટેબલ: ક્યારે કયો જંગ?
CBSE દ્વારા જાહેર કરાયેલ શિડ્યુલ મુજબ, પરીક્ષાઓ એક જ શિફ્ટમાં (સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી) લેવામાં આવશે:
• ધોરણ 10: 17 ફેબ્રુઆરીથી શરૂ થઈને 11 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થશે.
• ધોરણ 12: 17 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 એપ્રિલ, 2026 સુધી ચાલશે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત
વિદ્યાર્થીઓ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું કાર્ડ મેળવી શકશે:
1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
2. હોમપેજ પર 'Pariksha Sangam' અથવા 'Main Website' ટેબ પર ક્લિક કરો.
3. ત્યારબાદ "Admit Card 2026" લિંક પર ક્લિક કરો.
4. તમારો રોલ નંબર, જન્મ તારીખ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
5. સ્ક્રીન પર પ્રવેશપત્ર દેખાશે, તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.
મહત્વની સૂચના
રેગ્યુલર વિદ્યાર્થીઓએ સામાન્ય રીતે તેમની સંબંધિત શાળાઓમાંથી જ સહી-સિક્કાવાળું પ્રવેશપત્ર મેળવવાનું રહેશે. પ્રવેશપત્રમાં વિદ્યાર્થીનું નામ, પરીક્ષા કેન્દ્રનું સરનામું, વિષય કોડ અને પરીક્ષાના નિયમો જેવી મહત્વની વિગતો તપાસી લેવી જરૂરી છે.
બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડો ફફડાટ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો સલાહ આપે છે કે છેલ્લી ઘડીએ માત્ર રિવિઝન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
