તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
ડિજિટલ ઇન્ડિયાનો ‘માસ્ટરસ્ટ્રોક’: વિશ્વના 10% 6G પેટન્ટ્સ હવે ભારતના નામે હશે, જૂન સુધીમાં દેશના ખૂણેખૂણે પહોંચશે 4G કનેક્ટિવિટી!
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો હુંકાર: 39,000 ગામડાઓને નેટવર્કથી જોડવા માટે 26,000 નવા ટાવરનું મિશન - 40 કરોડ 5G યુઝર્સ સાથે ભારત બન્યું ગ્લોબલ લીડર

નવી દિલ્હી: ભારત હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી રહ્યો, પરંતુ ટેકનોલોજી બનાવનાર દેશ બની રહ્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જાહેરાત કરી છે કે ભારત ભવિષ્યની 6G ટેકનોલોજીના વૈશ્વિક પેટન્ટ્સમાં ૧૦% હિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે આઈઆઈટી (IIT) અને ૧૮૦૦ જેટલી વિવિધ સંસ્થાઓ રાત-દિવસ કામ કરી રહી છે. ભારતનો હેતુ હોલોગ્રાફિક કોમ્યુનિકેશન અને એઆઈ-નેટિવ નેટવર્કિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓમાં વિશ્વનું નેતૃત્વ કરવાનો છે.
જૂન સુધીમાં કોઈ પણ ગામ કનેક્ટિવિટી વગરનું નહીં રહે
મંત્રી સિંધિયાએ જણાવ્યું કે સરકાર ‘સંપૂર્ણ 4G સંતૃપ્તિ’ (Full 4G Saturation) ના મિશન પર કામ કરી રહી છે.
• નવા ટાવરનું નિર્માણ: જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે ૩૯,૦૦૦ ગામડાઓ નેટવર્કથી વંચિત હતા. જેમાંથી ૨૧,૦૦૦ ટાવર સ્થાપિત થઈ ચૂક્યા છે અને બાકીના ૫,૦૦૦ ટાવર આગામી જૂન મહિના સુધીમાં ઉભા કરી દેવામાં આવશે.
• છેવાડાના માનવી સુધી પહોંચ: જૂન ૨૦૨૬ ના અંત સુધીમાં ભારતના દરેક અંતરિયાળ વિસ્તારમાં હાઈ-સ્પીડ 4G ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હશે.
5G ક્ષેત્રે ભારતનો વિશ્વમાં બીજો નંબર
ભારતે 5G ટેકનોલોજી અપનાવવામાં વિશ્વમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. હાલમાં ભારત ૪૦ કરોડથી વધુ 5G ગ્રાહકો સાથે ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો સબ્સ્ક્રાઇબર બેઝ ધરાવે છે. દેશની ૮૫% વસ્તી અત્યારે 5G કવરેજ હેઠળ છે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૪.૬૯ લાખ 5G બેઝ સ્ટેશન્સ સ્થાપિત કરીને ભારતે દુનિયાનું સૌથી ઝડપી નેટવર્ક રોલઆઉટ પૂર્ણ કર્યું છે.
6G રોડમેપ અને ભવિષ્યની તૈયારી
ભારતનો 6G રોડમેપ સાત અલગ-અલગ વર્ટિકલ્સ પર કામ કરી રહ્યો છે, જેમાં સાધનોની બનાવટથી લઈને નીતિ નિર્ધારણનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યું કે ભારત હવે સ્કેલ અને સ્પીડની બાબતમાં દુનિયા માટે ઉદાહરણ બની રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
