<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

વ્હાઈટ હાઉસના સૂત્રો મુજબ 'ગ્રીનલેન્ડ વિવાદમાં ટ્રમ્પ યુરોપ પર ૧૫૦% થી ૨૦૦% જેટલો તોતિંગ 'ફ્યુરિયસ ટેરિફ' (ભીષણ કરવેરો) ઝીંકવાની તૈયારીમાં

યુરોપીય દેશોએ અમેરિકાની 'ગ્રીનલેન્ડ ડીલ' સત્તાવાર રીતે ફગાવી; બદલામાં ટ્રમ્પની આકરા પગલાં લેવાની તૈયારી: ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની મહત્વકાંક્ષા અને યુરોપીય દેશોના વિરોધ વચ્ચે સ્થિતિ અત્યંત તંગ: ન્યૂઝ ફર્સ્ટ

વોશિંગ્ટન/બ્રસેલ્સ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપ વચ્ચે ગ્રીનલેન્ડને લઈને ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વ્હાઈટ હાઉસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપીય દેશોએ ગ્રીનલેન્ડ અંગેના અમેરિકન પ્રસ્તાવને ઠુકરાવી દીધા બાદ, ટ્રમ્પ પ્રશાસન યુરોપિયન યુનિયન અને ખાસ કરીને ફ્રાન્સ જેવા દેશો પર ૧૫૦% થી ૨૦૦% જેટલો જંગી ટેરિફ (આયાત શુલ્ક) લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ અહેવાલ બાદ વૈશ્વિક વેપાર જગતમાં ફફડાટ ફેલાયો છે.

 

ગ્રીનલેન્ડ ખરીદવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વકાંક્ષા અને યુરોપીય દેશોના વિરોધ વચ્ચે સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને 'ન્યૂઝફર્સ્ટ'ના અહેવાલો મુજબ, વ્હાઈટ હાઉસના સૂત્રોએ દાવો કર્યો છે કે ટ્રમ્પ યુરોપ સામે અત્યાર સુધીના સૌથી આકરા વ્યાપારી પ્રતિબંધો લાદવા જઈ રહ્યા છે.

૧૫૦% થી ૨૦૦% ટેરિફનો તોળાઈ રહેલો ખતરો

 

સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રમ્પ પ્રશાસન માત્ર ૧૦% કે ૨૫% નહીં, પરંતુ ૧૫૦% થી ૨૦૦% જેટલો 'ફ્યુરિયસ ટેરિફ' (ભીષણ કરવેરો) લાદવા વિચારી રહ્યું છે. આ કડક વલણ ખાસ કરીને એવા યુરોપીય દેશો સામે અપનાવવામાં આવી શકે છે જેમણે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો ખુલ્લો વિરોધ કર્યો છે. અગાઉ પણ ટ્રમ્પે ફ્રાન્સના વાઈન અને શેમ્પેઈન જેવા ઉત્પાદનો પર ૨૦૦% ટેરિફ નાખવાની ચીમકી આપી હતી, જે હવે વાસ્તવિકતામાં પરિણમે તેવી ભીતિ છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો યુરોપથી અમેરિકા નિકાસ થતી લક્ઝરી વસ્તુઓ, કાર અને અન્ય ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચી જશે.

 

ગ્રીનલેન્ડ ડીલ: યુરોપનો સજ્જડ ઇનકાર

આ સમગ્ર વિવાદના મૂળમાં ગ્રીનલેન્ડ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ડેન્માર્ક પાસેથી ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને 'રાષ્ટ્રીય સુરક્ષા' માટે અનિવાર્ય ગણાવ્યો હતો. જોકે, ડેન્માર્ક સહિતના યુરોપીય દેશોએ આ પ્રસ્તાવને સત્તાવાર રીતે અને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. યુરોપીય નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે "ગ્રીનલેન્ડ વેચાવ નથી" અને અમેરિકાની આ માંગણી સાર્વભૌમત્વ પર હુમલો છે. આ નનૈયા બાદ ટ્રમ્પનો મિજાજ બગડ્યો છે અને તેમણે આર્થિક હથિયાર ઉગામ્યું છે.

 

૮ યુરોપીય દેશો નિશાના પર: પ્રાપ્ત વિગતો મુજબ, આ ટેરિફ યુદ્ધમાં મુખ્યત્વે ૮ યુરોપીય દેશો નિશાના પર છે, જેમાં ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચીમકી આપી છે કે જો ગ્રીનલેન્ડ સોદા માટે કોઈ સમજૂતી નહીં થાય તો આ દેશોએ ફેબ્રુઆરીથી જ ભારે કિંમત ચૂકવવી પડશે. શરૂઆતમાં ૧૦% ટેરિફ અને ત્યારબાદ જૂન મહિના સુધીમાં તે વધીને ૨૫% થવાની વાત હતી, પરંતુ હવે નવા અહેવાલો ૧૫૦% થી ૨૦૦% સુધીના આકરા વધારા તરફ ઈશારો કરી રહ્યા છે.

 

વૈશ્વિક બજારોમાં ગભરાટ: આ સમાચાર વહેતા થતાની સાથે જ શેરબજારો અને વેપાર જગતમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. જો અમેરિકા યુરોપ પર આટલો મોટો ટેરિફ લાદશે, તો તેની સીધી અસર મોંઘવારી અને સપ્લાય ચેઈન પર પડશે. યુરોપિયન યુનિયને પણ સામો જવાબ આપવાની તૈયારી દર્શાવી છે, જેને પગલે બંને મહાસત્તાઓ વચ્ચે 'ટ્રેડ વોર' (વ્યાપારી યુદ્ધ) ફાટી નીકળવાની શક્યતા પ્રબળ બની છે. 

 

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ ટેરિફના દબાણ દ્વારા યુરોપને ગ્રીનલેન્ડ મુદ્દે વાતચીત માટે મજબૂર કરવા માંગે છે.

 

(9:57 PM IST)