<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

"આર્થિક તાકાત પૂરતી નથી, રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય શક્તિ જરૂરી": વાયુસેના પ્રમુખ

ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે દેશની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નવી દિલ્હીમાં સેન્ટર ફોર એરોસ્પેસ પાવર એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત ૨૨મા સુબ્રતો મુખર્જી સેમિનારમાં બોલતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આર્થિક મહાસત્તા બનવું દેશની સુરક્ષા માટે પૂરતું નથી. રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત લશ્કરી તાકાત હોવી અત્યંત આવશ્યક છે.

વાયુસેના પ્રમુખે ઈતિહાસ અને વર્તમાન ભૌગોલિક રાજકીય સ્થિતિનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે આર્થિક રીતે સદ્ધર હોવા છતાં જો કોઈ દેશ પાસે તેને બચાવવા માટે લશ્કરી શક્તિ ન હોય, તો તેને પરાજયનો સામનો કરવો પડી શકે છે. 

તેમણે આ સંદર્ભમાં વેનેઝુએલા અને ઈરાક જેવા દેશોના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે કહ્યું કે વેનેઝુએલા પાસે તેલનો ભંડાર હોવા છતાં અને આર્થિક સમૃદ્ધિ હોવા છતાં, મજબૂત સૈન્યના અભાવે તે બાહ્ય દબાણો સામે ટકી શક્યું નહીં. તેવી જ રીતે ઈરાકનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આર્થિક તાકાત જ બધું નથી, 'હાર્ડ પાવર' એટલે કે સૈન્ય શક્તિ વિના 'સોફ્ટ પાવર' એટલે કે આર્થિક શક્તિ ટકી શકતી નથી.

એર ચીફ માર્શલે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે ચીને પહેલા પોતાની લશ્કરી શક્તિ મજબૂત કરી અને ત્યાર બાદ આર્થિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના કારણે આજે તે એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ભારત માટે સ્વદેશી ટેકનોલોજી અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ સૈન્ય ઉપકરણોના ઉત્પાદન પર ભાર મૂક્યો હતો, જેથી ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ભારત અન્ય દેશો પર નિર્ભર ન રહેવું પડે.

 

(10:42 AM IST)