સતત તેજી બાદ ટોચેથી ભાવ પટકાયા : ચાંદીમાં ૨૧,૦૦૦ અને સોનામાં ૪૩૦૦ રૂા.નું ગાબડુ
ચાંદીના ભાવ ૩,૩૩,૦૦૦ ટોચની સપાટી સ્પર્શ કર્યા બાદ ઘટીને ૩,૧૨,૦૦૦ રૂા. અને સોનાના (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૧,૦૦૦ ની ટોચની સપાટીએથી ઘટીને ૧,પ૬,૭૦૦ રૂા. થયા

રાજકોટ, તા., રરઃ ચાલુ સપ્તાહમાં સતત ૩ દિ' તેજીના તરખાટ બાદ ગઇકાલે મોડી રાત્રે બુલીયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં ગાબડા પડયા હતા. ચાંદીમાં ૨૧,૦૦૦ અને સોનામાં ૪૩૦૦ રૂા. તૂટયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે મોડી રાત્રે ચાંદીમાં ૧પ,૦૦૦ રૂા. ઘટયા બાદ આજે બપોરે વધુ ૬૦૦૦ રૂા.ેનું ગાબડુ પડતા ચાંદીમાં કુલ ર૧,૦૦૦ રૂા.નો તોતીંગ ઘટાડો થયો હતો. ચાંદી (૧ કિલો)ના ભાવ ગઇકાલે રાત્રે ૩,૩૩,૦૦૦ રૂા. ની ટોચની સપાટી બનાવી પટકાયા હતા તે ઘટીને સવારે ૩,૧૮,૦૦૦ રૂા. થયા હતા. બપોરે વધુ ૬,૦૦૦ રૂા.નું ગાબડુ પડતા ચાંદી (૧ કિલો)ના ભાવ ઘટીને ૩,૧ર,૦૦૦ રૂા. થઇ ગયા હતા.
ચાંદીની સાથે સોનામાં પણ ભાવો તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે ગત મોડી રાત્રે સોનાના ભાવમાં ૪૩૦૦ રૂા. તૂટયા હતા. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૧,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,પ૬,૭૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૪૩,૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૧૦,૦૦૦ હતા તે ઘટીને ૧પ,૬૭,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે તેજીના તરખાટને પગલે સોનાના ભાવે ૧,૬૧,૦૦૦ રૂા.ની ટોચની સપાટી બનાવ્યા બાદ ૧,પ૬,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ બંધ રહયા હતા અને ચાંદીના ભાવે ૩,૩૩,૦૦૦ રૂા.ની ટોચની સપાટી બનાવ્યા બાદ ૩,રપ,૦૦૦ રૂા.ની સપાટીએ બંધ રહયા હતા. બાદમાં ચાંદીના ભાવો સતત તૂટયા હતા.
તેજીના તરખાટના પગલે ચાલુ સપ્તાહમાં છેલ્લા ૩ દિવસમાં સોનામાં ૧૪,૦૦૦ જયારે ચાંદીમાં ૪પ,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો હતો.
ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પે નરમ વલણ અપનાવતા સોના-ચાંદીના ભાવોમાં ગાબડા પડયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
