News of Thursday, 22nd January 2026
દેશભરમાં વેચાતી કુલ ૧૬૭ દવાઓના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નાપાસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ એલર્ટ

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં વેચાતી દવાઓની ગુણવત્તા અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. વાસ્તવમાં તાજેતરમાં કરાયેલા ક્વોલિટી ચેક દરમિયાન દેશભરમાં વેચાતી કુલ ૧૬૭ દવાઓના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. આ દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી તરીકે જાહેર કરવામાં આવી છે.
આ તપાસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૫ના અહેવાલ મુજબ ૭૪ નમૂનાઓ કેન્દ્રીય લેબોરેટરીમાં ફેલ થયા જ્યારે ૯૩ નમૂનાઓ વિવિધ રાજ્ય સ્તરની લેબોમાં પરીક્ષણ દરમિયાન નબળા સાબિત થયા. આ તમામ નમૂનાઓ નિયમિત તપાસના ભાગરૂપે લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન માત્ર હલકી ગુણવત્તાની દવાઓ જ નહીં, પરંતુ નકલી દવાઓનું મોટું નેટવર્ક પણ બહાર આવ્યું છે. ઉત્તર ભારતની ગાઝિયાબાદ લેબમાં ચાર નકલી દવાઓના સેમ્પલ મળી આવ્યા બાદ તપાસ વધુ વિસ્તરતા ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ નકલી દવાઓના પુરાવા મળ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ દવાઓ પ્રખ્યાત અને વિશ્વસનીય બ્રાન્ડ્સના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી હતી. આવી દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમિત ક્વોલિટી ચેક પ્રક્રિયા છે. માત્ર જે બેચના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે જ બેચ ફેલ થયા છે. એનો અર્થ એ નથી કે, તે જ નામની દરેક દવા બજારમાં ખરાબ જ હોય. પરંતુ, લોકોને સલાહ આપવામાં આવી છે કે, દવાઓ માત્ર અધિકળત અને વિશ્વસનીય દવાખાનાથી જ ખરીદવી, શંકાસ્પદ રીતે સસ્તી અથવા ખુલ્લી દવાઓ લેવાનું ટાળવું અને દવાના પેકેટ પર બેચ નંબર અને એક્સપાયરી તારીખ ચકાસવી.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
