News of Thursday, 22nd January 2026
પાકિસ્તાન પર ‘જળ-પ્રલય’નું સંકટ: સિંધુ જળ સંધિ રદ થતાં પાડોશી દેશમાં હાહાકાર, હવે UNમાં નાક રગડવા મજબૂર!
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનો આકરો પ્રહાર— નવ મહિનામાં જ પાકિસ્તાનની ખેતી અને અર્થતંત્ર ઘૂંટણિયે, સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગી દયાની ભીખ

નવી દિલ્હી: પાકિસ્તાન માટે હવે 'ઘરના છોકરા ઘંટી ચાટે' જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત વિરોધી આતંકવાદને પોષનારા પાકિસ્તાનને હવે ભારતે એવો પાઠ ભણાવ્યો છે કે તેના હોશ ઉડી ગયા છે. ગયા વર્ષે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારતે ઐતિહાસિક નિર્ણય લેતા ૬૫ વર્ષ જૂની 'સિંધુ જળ સંધિ' (Indus Water Treaty) ને સસ્પેન્ડ કરી દીધી હતી. આ નિર્ણયના નવ મહિના બાદ હવે પાકિસ્તાનમાં પાણીના ટીપે-ટીપા માટે વલખાં મારવાની નોબત આવી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનું આક્રંદ
ભારતના આ કડક વલણથી ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચો પર જઈને દયાની ભીખ માંગી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ ઉસ્માન જાદૂને ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત 'પાણીને હથિયાર' તરીકે વાપરી રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે ભારત જરૂરી ડેટા શેર નથી કરી રહ્યું અને પાણીનો પ્રવાહ રોકી રહ્યું છે. જોકે, પાકિસ્તાન એ ભૂલી રહ્યું છે કે આતંકવાદ અને સંવાદ ક્યારેય સાથે ચાલી શકે નહીં.
૨૪ કરોડ લોકોના અસ્તિત્વ પર ખતરો
પાકિસ્તાનની કૃષિ પ્રણાલી અને ૮૦ ટકા જરૂરિયાતો સિંધુ નદીના પાણી પર નિર્ભર છે. પાકિસ્તાની રાજદૂતે સ્વીકાર્યું છે કે ભારત દ્વારા સંધિ સ્થગિત કરવાથી ૨૪૦ મિલિયન (૨૪ કરોડ) લોકોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. ખેતી લાયક જમીન સૂકી ભઠ્ઠ થઈ રહી છે અને પાકિસ્તાન પહેલેથી જ આર્થિક પાયમાલી અને આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતની આ 'વોટર સર્જિકલ સ્ટ્રાઈક' એ તેની કમર તોડી નાખી છે.
ભારતનું સ્પષ્ટ વલણ: આતંકવાદ બંધ કરો, પાણી મેળવો
ભારતે ૨૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ આ સંધિ સ્થગિત કરી ત્યારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, પાકિસ્તાન જ્યારે રાજ્યની નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે, ત્યારે ભારત કોઈ પણ કરાર પાળવા બંધાયેલું નથી. ભારતનું વલણ લોખંડી છે: જ્યાં સુધી આતંકવાદના અડ્ડાઓ નાબૂદ નહીં થાય, ત્યાં સુધી સંધિનું સામાન્ય સંચાલન અશક્ય છે. પાકિસ્તાન અત્યારે વિશ્વ સમક્ષ પોતાને ભોગ બનેલું ગણાવી રહ્યું છે, પણ તેની જ ધરતી પર ઉછરતા આતંકીઓ વિશે તે મૌન છે.
ભવિષ્યની ભયાનકતા
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પોતાની પ્રાંતીય સરકારોને ચેતવણી આપી છે કે આગામી સમયમાં જળ સુરક્ષા સૌથી મોટો પડકાર બનશે. જો ભારત આ રીતે જ પાણીનો પ્રવાહ નિયંત્રિત રાખશે, તો પાકિસ્તાનમાં ખાદ્ય સુરક્ષાનું મોટું સંકટ ઉભું થશે અને અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી પડશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
