સિસિલીમાં ‘સુનામી’ જેવો મંજર: તોફાન હેરીના કહેર વચ્ચે ૯ મીટર ઊંચા મોજાઓએ આખું શહેર ગળી લીધું, હૃદયદ્રાવક વીડિયો વાયરલ!
૧૧૯ કિમીની ઝડપે ફૂંકાયા પવનના ઝાપટા— રસ્તાઓ નદીમાં ફેરવાયા, રેસ્ટોરન્ટ્સમાં ઘૂસી ગયું દરિયાનું પાણી અને લોકો જીવ બચાવવા ઉંચી ઇમારતો પર દોડ્યા

રોમ: ભૂમધ્ય સમુદ્રમાં ઉદભવેલા ભયાનક તોફાન ‘હેરી’એ ઇટાલીના સુંદર ટાપુ સિસિલીને સ્મશાન જેવું ભયાનક બનાવી દીધું છે. મંગળવારે ત્રાટકેલા આ તોફાને એવી તબાહી મચાવી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને લોકોના કાળજા ધ્રૂજી ઉઠ્યા છે. સમુદ્રમાં ઉછળેલા ૯ મીટર જેટલા ઊંચા મોજા જાણે સુનામીની જેમ જમીન પર અથડાયા હતા અને તેના માર્ગમાં આવતી દરેક વસ્તુને કાગળની જેમ ફંગોળી દીધી હતી.
પાણીની દીવાલો અને તબાહીના દ્રશ્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાના મોજા માત્ર કિનારા સુધી મર્યાદિત રહ્યા નહોતા, પરંતુ શહેરની અંદરના ભાગોમાં ઘૂસી ગયા હતા. લિપારી ટાપુના બંદર પર પાણીની એક વિશાળ દીવાલ અથડાઈ અને જોતજોતામાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. એક ભયાનક દ્રશ્યમાં જોઈ શકાય છે કે દરિયાનું પાણી એક ચાલુ રેસ્ટોરન્ટમાં ધસી આવ્યું, જેના કારણે ટેબલ-ખુરશીઓ રમકડાની જેમ તરવા લાગી અને ગભરાયેલા ગ્રાહકો જીવ બચાવવા ભાગતા દેખાયા હતા.
રેડ એલર્ટ અને સ્થળાંતર
પરિસ્થિતિની ગંભીરતા જોતા ઇટાલિયન અધિકારીઓએ સિસિલી, સાર્દિનિયા અને કેલાબ્રિયામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરી દીધું છે. વહીવટીતંત્રની સમયસૂચકતાને કારણે લગભગ ૧૯૦ લોકોને જોખમી વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટેનિયા શહેરમાં સમુદ્રનું સ્તર ૫ મીટરની સપાટી વટાવી ગયું છે, જ્યારે પવનની ગતિ ૧૧૯ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે.
મુસાફરી અને જનજીવન ઠપ્પ
ભારે તોફાન અને ઉછળતા સમુદ્રને કારણે સાર્દિનિયા અને અન્ય નાના ટાપુઓ તરફ જતી ફેરી સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, જેના કારણે હજારો પ્રવાસીઓ ફસાયા છે. મેસિના શહેરમાં દરિયા કિનારાના પર્યટન સ્થળનો એક મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ૩૦૦ મીમી સુધીના ભારે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે શાળાઓ, બગીચાઓ અને રમતગમતના મેદાનો બંધ કરી દેવામાં આવ્યા છે.
માત્ર ઇટાલી જ નહીં, પણ આ પાડોશી દેશ સ્પેનમાં પણ પવન અને ઊંચા મોજાને કારણે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. તોફાન હેરીની આ પ્રચંડ શક્તિએ આખા યુરોપને કુદરતના પ્રકોપ સામે લાચાર કરી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
