<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ટ્રમ્પના 'પીસ બોર્ડ' માં પાકિસ્તાનની એન્ટ્રી: ઘરઆંગણે જ શાહબાઝ સરકાર પર માછલાં ધોવાયા

ઇઝરાયલ સાથે સ્ટેજ શેર કરવાના નિર્ણયથી પાકિસ્તાનીઓમાં ભારે રોષ: મલીહા લોધી અને બાબર અવાને 'બુટ પોલિશ' કરવાની આદતને દેશ માટે નુકસાનકારક ગણાવી

ઈસ્લામાબાદ:  ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 'શાંતિ બોર્ડ' માં સામેલ થવાની પાકિસ્તાન સરકારની જાહેરાતે દેશના રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં ભૂકંપ લાવી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આમંત્રણને સહર્ષ સ્વીકારી લીધું છે, પરંતુ પૂર્વ રાજદૂત મલીહા લોધીએ આ નિર્ણય સામે લાલ આંખ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જે દેશ હજુ સુધી ઇઝરાયલને માન્યતા પણ નથી આપી શક્યો, તે કેવી રીતે એવા બોર્ડમાં બેસી શકે જેમાં ઇઝરાયલ સામેલ છે? લોધીએ આ પહેલને સંયુક્ત રાષ્ટ્રના વિકલ્પ તરીકે ટ્રમ્પનો અંગત એજન્ડા ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થતા જ આ બોર્ડ પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે.
પાકિસ્તાનના પૂર્વ કાયદા મંત્રી બાબર અવાને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર આકરા પ્રહારો કરતા તેને 'બુટ પોલિશ કરવાની આદત' ગણાવી છે. અવાને દલીલ કરી હતી કે માત્ર અમેરિકાને ખુશ કરવા માટે યુદ્ધ અપરાધના આરોપી નેતન્યાહૂ સાથે સ્ટેજ શેર કરવું એ પેલેસ્ટિનિયનો અને કાયદ-એ-આઝમના આદેશો સાથે દ્રોહ સમાન છે. પાકિસ્તાની પત્રકારો અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ નિર્ણયને 'દંભી રાજનીતિ' ગણાવી રહ્યા છે. લોકોમાં એવી લાગણી પ્રબળ બની છે કે આર્થિક મદદ મેળવવા અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે પાકિસ્તાની શાસકોએ દેશની વિદેશ નીતિને ગીરો મૂકી દીધી છે.

આ વિવાદમાં માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પણ આર્થિક પાસાઓ પણ ચર્ચામાં છે. પૂર્વ સેનેટર મુસ્તફા નવાઝ ખોખરે આ બોર્ડને 'ધનિકોની ક્લબ' ગણાવી છે, કારણ કે તેમાં કાયમી બેઠક માટે એક અબજ ડોલરની પ્રવેશ ફી રાખવામાં આવી હોવાના અહેવાલ છે. પાકિસ્તાની જનતામાં એ વાતનો રોષ છે કે સંસદમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના આટલો મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દેશ પોતે દેવામાં ડૂબેલો છે, તે આ પ્રકારના વસાહતી પ્રોજેક્ટ્સમાં સામેલ થઈને પોતાની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા ગુમાવી રહ્યો હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

(6:58 PM IST)